ગોંડલ તાલુકાના બંધીયા ગામે સરકારી ફરજ બજાવી રહેલા તલાટી કમ મંત્રી પર એક શખ્સે હુમલો કરી, ગાળાગાળી કરી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી જવા પામી છે. શૌચાલય બનાવવા જેવી નજીવી બાબતે ઉશ્કેરાયેલા શખ્સે તલાટીનો શર્ટ પકડી જાહેરમાં અપમાનિત કર્યા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.
મૂળ ખેડા જિલ્લાના અને હાલ ગોંડલના મોવીયા ગામે ભાડે રહેતા વિજયસિંહ ખોડાભાઇ ડાભી બંધીયા ગામે તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવે છે. ગત તા. 01/04/2026ના રોજ બપોરના સમયે તેઓ પંચાયતના પટાવાળા સાથે ગામમાં એક દબાણની અરજી સંદર્ભે તપાસ કરવા અને ફોટા પાડવા ગયા હતા. આ દરમિયાન પાડોશમાં રહેતા કિશોરભાઈ અમરશીભાઈ રાઠોડ નામના શખ્સે ત્યાં આવીને તલાટીને “મારું શૌચાલય કરવાનું છે કે નહીં?” તેમ કહી અટકાવ્યા હતા. તલાટીએ નિયમ મુજબ ફોર્મ ભરીને પંચાયત કચેરીએ આપવા જણાવતા કિશોરભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળાગાળી શરૂૂ કરી હતી. વિવાદ વધતા તલાટી ત્યાંથી પંચાયત ઓફિસે પરત ફર્યા હતા, પરંતુ આરોપી ત્યાં પણ પહોંચી ગયો હતો.
પંચાયત કચેરીમાં પણ આરોપીએ શૌચાલય મુદ્દે રકઝક ચાલુ રાખી હતી. તલાટીએ તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો અને અંતર જાળવવા કહ્યું, ત્યારે આરોપીએ એકદમ ઉશ્કેરાઈને તલાટીનો શર્ટ પકડી લીધો હતો અને જાહેરમાં બિભત્સ ગાળો આપી હતી. મામલો વધુ ન બગડે તે માટે તલાટી ઓફિસની બહાર નીકળી ગયા, તો આરોપી પથ્થર લઈને તેમની પાછળ દોડ્યો હતો.
તલાટી જ્યારે બસ સ્ટેન્ડ પાસે બાકડા પર બેઠા હતા, ત્યારે પણ આરોપી કિશોરભાઈ ત્યાં પોતાની મોટરસાઈકલ લઈને ધસી આવ્યા હતા અને તલાટીની બાઈક સાથે ભટકાડી તેને નીચે પાડી દીધી હતી. ગ્રામજનોની હાજરીમાં આરોપીએ ધમકી આપતા કહ્યું હતું કે,”તારે જ્યાં જવું હોય ત્યાં જજે, તારાથી થાય તે કરી લેજે, તને જીવતો નહીં રહેવા દઉં. તારી ઉપર એટ્રોસિટીની ખોટી ફરિયાદ કરી તને સસ્પેન્ડ કરાવી દઈશ.” ઘટનાને પગલે તલાટીએ તુરંત 112 નંબર પર ફોન કરી પોલીસની મદદ માંગી હતી. પોલીસ વાહન આવતાની સાથે જ આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. હાલ વિજયસિંહ ડાભીએ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં કિશોરભાઈ રાઠોડ વિરુદ્ધ સરકારી કામમાં રુકાવટ, હુમલો અને ધમકી આપવા બાબતે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
