જૂનાગઢ જિલ્લામાં નશાના કારોબારને જડમૂળથી ખતમ કરવા માટે પોલીસ વિભાગ દ્વારા આક્રમક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન માળિયા હાટીના પોલીસ સ્ટેશન વિસ્તારમાં જૂનાગઢ એસ.ઓ.જી. ટીમે એક મોટી સફળતા હાંસલ કરી છે. લાઠોદ્રા ગામ પાસે બાતમીના આધારે વોચ ગોઠવીને પોલીસે એક શખ્સને પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ ના જથ્થા સાથે રંગેહાથ ઝડપી પાડ્યો છે. યુવા પેઢીને નશાના રવાડે ચડાવતા આ દૂષણ સામે પોલીસે લાલ આંખ કરી લાખોનો મુદ્દામાલ કબજે કર્યો છે.
જૂનાગઢ જિલ્લામાં નશીલા પદાર્થોનું વેચાણ અને હેરાફેરી કરતા તત્વોને ડામી દેવા માટે એસ.ઓ.જી.ની ટીમ સતત પેટ્રોલિંગ અને તપાસમાં હતી. તે દરમિયાન પોલીસ સ્ટાફને ચોક્કસ ખાનગી બાતમી મળી હતી કે લાઠોદ્રા ગામનો નરવિરસિંહ બાલુભાઈ લાખાણી નામનો શખ્સ પોતાની બર્ગમેન મોપેડ પર ડ્રગ્સનો જથ્થો છુપાવીને વેચાણ કરવાના ઈરાદે પાણીધ્રા પાટીયા તરફ જઈ રહ્યો છે.
બાતમીના આધારે એસ.ઓ.જી.ની ટીમે તાત્કાલિક લાઠોદ્રાથી પાણીધ્રા પાટીયા તરફના માર્ગ પર આવેલા જેટકો 66 કે.વી. સબસ્ટેશન સામે વ્યૂહાત્મક વોચ ગોઠવી હતી. થોડી જ વારમાં બાતમી મુજબનો શખસ ત્યાંથી પસાર થતા પોલીસે તેને કોર્ડન કરીને આંતરી લીધો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં તે ગભરાઈ ગયો હતો અને તેની અંગઝડતી લેતા 21 વર્ષીય નરવિરસિંહ પાસેથી 19.15 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત અંદાજે 57,450 રૂૂપિયા થાય છે. પોલીસે ડ્રગ્સ ઉપરાંત 10,000ની કિંમતનો મોબાઈલ અને 30,000ની કિંમતનું મોપેડ મળી કુલ 97,450 રૂૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આરોપીની અટકાયત કરી છે.
આ ઘટનામાં એક અન્ય આરોપી અજય માણસુરભાઇ લાખાણીનું નામ પણ ખુલ્યું છે, જે હાલ પોલીસ પકડથી દૂર છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને તેનો મુખ્ય સપ્લાયર કોણ છે? નશાનું આ ઝેર અત્યારે યુવાધનને ખોખલું કરી રહ્યું છે. મેફેડ્રોન ડ્રગ્સ જેવા ખતરનાક નશાના કારણે અનેક પરિવારો બરબાદ થઈ રહ્યા છે, ત્યારે પોલીસની આ કામગીરીથી નશાના સોદાગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
