મનપાના સસ્પેન્ડેડ એન્જિનિયર સુજલ પ્રજાપતિએ આધાર પુરાવા સાથે આદેશને હાઇકોર્ટમાં પડકારી વટાણા વેરી દીધા
એફિડેવિટ સાથે વોટ્સએપ ચેટના સ્ક્રીનશોટ રજૂ કર્યા, કમિશનરે પોતાની ચામડી બચાવવા ઇજનેરને બલીનો બકરો બનાવ્યો?
સુરત શહેરના નાસીરનગર વિસ્તારમાં થયેલા વિવાદાસ્પદ અને ચર્ચાસ્પદ ડિમોલિશનની કામગીરી બાદ વહીવટી તંત્રમાં મોટો ભૂકંપ આવ્યો છે. આ પ્રકરણમાં આંતરિક તપાસ બાદ સસ્પેન્ડેડ સુરત મનપાના એક્ઝિક્યુટિવ એન્જિનિયર સુજલ પ્રજાપતિએ પોતાના સસ્પેન્શન ઓર્ડર સામે મોરચો માંડ્યો છે. સુજલ પ્રજાપતિએ ગુજરાત હાઈકોર્ટમાં સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન (જઈઅ) નંબર 20772/2026 દાખલ કરી સસ્પેન્શનના આદેશને કાયદાકીય રીતે પડકાર્યો છે.
આ કાયદાકીય પગલાને કારણે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓમાં ભારે ફફડાટ અને દોડધામ મચી જવા પામી છે. તેમજ આ સમગ્ર પ્રકરણમાં હવે એક તદ્દન નવો અને નાટ્યાત્મક વળાંક સામે આવ્યો છે. એફિડેવિટ સાથે સ્ક્રીનશોટ જોડીને સુજલ પ્રજાપતિએ દાવો કર્યો હતો કે તેમને 21 મે, 2026ના રોજ મ્યુનિસિપલ કમિશનર તરફથી એક વોટ્સએપ મેસેજ આવ્યો હતો.
સુજલ પ્રજાપતિએ હાઇકોર્ટ સમક્ષ દાખલ કરેલી પોતાની રિટ પિટિશનમાં મનપા દ્વારા કરવામાં આવેલી આ સસ્પેન્શનની સમગ્ર પ્રક્રિયાને પૂર્વગ્રહયુક્ત અને એકતરફી ગણાવી છે. તેમણે કોર્ટને નમ્ર વિનંતી કરી છે કે તેમની સામે જારી કરવામાં આવેલો સસ્પેન્શનનો આદેશ સદંતર રદ કરવામાં આવે. આ સાથે જ તેમણે કેસ દાખલ થતા પહેલાં તેઓ જે હોદ્દા અને સ્થિતિ પર ફરજ બજાવતા હતા, તે જ સ્થિતિમાં તેમને સન્માનપૂર્વક પુન:સ્થાપિત કરવામાં આવે તેવી દાદ માંગી છે.
પિટિશનરે દાવો કર્યો છે કે, નિયમોનું ઉલ્લંઘન કરીને માત્ર બલિનો બકરો બનાવવાની દાનતથી જ આ સસ્પેન્શનની આકરી અને આકસ્મિક કાર્યવાહી કરવામાં આવી છે, જે કુદરતી ન્યાયના સિદ્ધાંતોની વિરુદ્ધ છે. આ અરજીમાં સૌથી ચોંકાવનારો અને વહીવટી તંત્રની પોલ ખોલતો દાવો એ છે કે, સુજલ પ્રજાપતિ નાસીરનગર ડિમોલિશનના સ્થળે પોતાની મરજીથી અથવા કોઈ અંગત હિત સાધવા ગયા નહોતા. તેમણે હાઇકોર્ટ સમક્ષ સ્પષ્ટતા કરી છે કે તેઓ મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજનની સીધી અને કડક સૂચનાઓના આધારે જ ઘટનાસ્થળે હાજર રહ્યા હતા.
પોતાના આ ગંભીર દાવાના સમર્થનમાં તેમણે કોર્ટ સમક્ષ અત્યંત મહત્વના ડિજિટલ પુરાવા જેવા કે વોટ્સએપ ચેટ્સ અને અન્ય સત્તાવાર સંચાર માધ્યમો દ્વારા મળેલી તમામ સૂચનાઓની નકલો રજૂ કરી છે. આ પુરાવાઓના કારણે મનપાના ટોચના વહીવટી વડાઓની કથની અને કરની વચ્ચેનો તફાવત હવે ન્યાયતંત્ર સમક્ષ ખુલ્લો પડી ગયો છે.
પિટિશનમાં વિગતવાર જણાવ્યા અનુસાર, ગત 29 જૂનના રોજ હાઇકોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજને કોર્ટ સમક્ષ એવું જુઠ્ઠાણું ચલાવ્યું હતું કે, ડિમોલિશન માટે તેમની તરફથી કોઈ સત્તાવાર સૂચના આપવામાં આવી નહોતી. પોતાની જાતને બચાવવા માટે કમિશનરે બીજા જ દિવસે એટલે કે 30 જૂનની વહેલી સવારે સુજલ પ્રજાપતિને આંતરિક તપાસ સમિતિ સમક્ષ હાજર થવા માટેનો પત્ર પકડાવી દીધો હતો.
પ્રજાપતિએ તપાસ સમિતિ સમક્ષ પણ પોતાના બચાવમાં સ્પષ્ટ જુબાની આપી હતી કે તેઓ માત્ર ઉચ્ચ અધિકારીઓના આદેશનું પાલન કરતા હતા. તેમ છતાં તેમની ન્યાયિક રજૂઆતને સંપૂર્ણપણે નજરઅંદાજ કરીને સસ્પેન્ડ કરી દેવાયા હતા. આનાથી સાબિત થાય છે કે આખી કાર્યવાહી અગાઉથી નક્કી કરેલી સ્ક્રિપ્ટ મુજબની હતી અને માત્ર ચોક્કસ અધિકારીઓને જ બલિનો બકરો બનાવવાનું આ પૂર્વઆયોજિત કાવતરૂૂં હતું. અરજીના અંતિમ ભાગમાં એવો પણ મહત્વપૂર્ણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ખુદ ઝોનલ ચીફ દ્વારા એ વાતની લેખિત કે મૌખિક કબૂલાત કરવામાં આવી હતી કે, નાસીરનગર ડિમોલિશનની વાસ્તવિક અને વહીવટી કાર્યવાહી સેન્ટ્રલ ઝોન હસ્તક કરવામાં આવી હતી. આવી કાયદાકીય સ્થિતિમાં સુજલ પ્રજાપતિનો આ સમગ્ર ડિમોલિશન પ્રક્રિયામાં કોઈ સીધો કે નિર્ણયાત્મક રોલ ન હોવા છતાં, માત્ર કોર્ટ સમક્ષ દેખાડો કરવા અને ઉચ્ચ વડાઓને બચાવવા માટે તેમને નિશાન બનાવવામાં આવ્યા છે.
મેં કોઇ આદેશ કર્યો નથી, રજૂઆત ફોરવર્ડ કરી હતી: એમ.નાગરાજન
આ સમગ્ર મામલે મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજને જણાવ્યું હતું કે, કોઈ આદેશ આપવામાં આવ્યો નહોતો, જે રજૂઆત મળેલી હતી માત્ર તેને જ ફોરવર્ડ કરવામાં આવી છે. તેની ઉપર શું કરવું કે ન કરવું એ તેમણે પોતાની રીતે જોવાનું છે. મેં કોઈ સૂચન કર્યું નથી અને જે પણ ખુલાસો હશે તે હું હાઇકોર્ટમાં કરીશ.
