જૂનાગઢમાંથી એક અત્યંત દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. જૂનાગઢના ગિરનાર પર્વત પર વહેલી સવારે 12 વર્ષના બાળક પર સિંહે અચાનક જીવલેણ હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં અરેરાટીનો ફેલાઈ હતી. સિંહ બાળકને મોંમાં દબાવીને જંગલ તરફ ભાગી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ વન વિભાગનો સ્થાનિક સ્ટાફ ઘટનાસ્થળે પહોંચયો હતો અને સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. ભારે શોધખોળ બાદ જંગલમાંથી બાળકના માત્ર કપડાં અને શરીરના અવશેષો જ મળી આવ્યા છે. હાલ ગિરનારની મુખ્ય સીડી પર સામાન્ય અવરજવર બંધ કરી દેવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના મોડજ ગામથી એક પરિવાર ગિરનાર યાત્રા માટે આવ્યો હતો. વહેલી સવારે પાંચ વાગ્યાના અરસામાં પરિવાર ગિરનારની સીડીઓ ચઢી રહ્યો હતો. દરમિયાન લગભગ 50મા પગથિયાંની આસપાસ 11 વર્ષ બાળક પોતાના કાકા સાથે આગળ વધી રહ્યો હતો. અચાનક અંધારામાંથી સિંહ બહાર આવ્યો અને કિશોર પર હુમલો કરીને તેને મોઢામાં પકડી જંગલ તરફ ભાગી ગયો હતો.
બાળકના કુટુંબી કાકા અનિલકુમારસિંહ ચૌહાણના જણાવ્યા અનુસાર, ‘પરિવાર ગિરનારના મુખ્ય ગેટથી અંદર આશરે 50 જેટલા પગથિયાં ઉપર જ પહોંચ્યો હતો. આ દરમિયાન અંધારામાંથી અચાનક એક સિંહે આવીને પાછળથી 12 વર્ષના ભત્રીજા મયુરસિંહ પર તરાપ મારી હતી. સિંહ બાળકને મારા હાથમાંથી જ ખેંચીને ગણતરીની સેકન્ડોમાં જંગલ તરફ ભાગી ગયો હતો.’
જંગલમાં શોધખોળ કરતા બાળકના બૂટ, લોહીથી લથબથ કપડાં અને શરીરના કેટલાક અવશેષો જ મળ્યા છે. આ ઘટનાબાદ સુરક્ષાના ભાગરૂપે ગિરનારની મુખ્ય સીડી પર સામાન્ય અવરજવર બંધ કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓને હવે જટાશંકર નજીકની જૂની સીડી તરફથી આવવા-જવા માટે સૂચના આપવામાં આવી છે.વન વિભાગની અલગ-અલગ ટીમો બનાવીને જંગલ વિસ્તારમાં સિંહની શોધખોળ શરૂ કરાઈ છે.
