ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેકટર મારફતે મુખ્યમંત્રીને આવેદન પત્ર પાઠવી વિકસિત ભારત-ગ્રામ-જી કાયદો તાત્કાલિક પરત ખેંચવામાં આવે તથા મનરેગાના મૂળ અધિકાર આધારિત સ્વરૂૂપની પુન:સ્થાપના કરવા ની માંગ કરેલ છે.
ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુંજાભાઇ વંશ સહિતના જિલ્લા, તાલુકાના કોંગ્રેસના પદાધિકારીઓ, આગેવાનો દ્વારા પાઠવેલ આવેદન પત્ર માં જણાવેલ કે, ભાજપ સરકાર દ્વારા ગુજરાત સહિત સમગ્ર ભારત દેશમાંથી મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદો ’મનરેગા’ ને સંપૂર્ણપણે નાબૂદ કરવાની કાવતરું ઘડ્યું છે. કોંગ્રેસ પક્ષ વિકસિત ભારત-ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ) (વીબી-ગ્રામ-જી) કાયદાની કડક શબ્દોમાં નિંદા કરે છે.
મનરેગાનું નામ બદલવું એ માત્ર શબ્દોની હેરાફેરી નથી, પરંતુ મહાત્મા ગાંધી ની વિચારધારા નું અપમાન છે. યોજનાનું નામ બદલવું એ વિકાસ નથી, ધ્યાન ભટકાવવા નો પ્રયાસ છે. મનરેગાના બજેટમાં કપાત કરવામાં આવી છે, નામ બદલીને રોજગારી વધતી નથી, ફંડ વધે તો વિકાસ થાય. કામનો હક, ગરીબની આર્થિક સુરક્ષા અને ગામડાનો વિકાસ ગાંધીજી નો આત્મા છે. ગાંધીજીનું નામ કાઢવા એટલે ગાંધીજી ના વિચાર કાઢવો. મનરેગા યોજના ગ્રામીણ અર્થતંત્ર નો આધારસ્તંભ છે. મનરેગા યોજના એ કરોડો પરિવારોને સ્થળાંતરથી બચાવ્યા છે અને સ્થાનિક બજાર ને જીવંત રાખ્યું છે. ભાજપે સુવ્યવસ્થિત રીતે યોજનાને કમજોર કરી છે.
વધુમાં જણાવેલ કે, ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોંગ્રેસ પક્ષ મનરેગા કાયદા ના સુધારા વિરુદ્ધ ગ્રામીણ જનતાની સાથે ખભે ખભો મિલાવીને લડશે. મનરેગા એ દાન નથી, પરંતુ બંધારણીય અધિકાર છે. કોંગ્રેસ પક્ષ ગરીબ-શ્રમિકો માટે મક્કમતાથી કેન્દ્ર સરકારની નીતિ સામે ગુજરાત માટે, ગ્રામીણ ભારત માટે અને ન્યાય માટે લડશે. કામના અધિકાર અને પંચાયતી રાજનું રક્ષણ કરવામાં આવે, વિકસિત ભારત-ગ્રામ-જી કાયદો તાત્કાલિક પરત ખેંચવામાં આવે, મનરેગાના મૂળ અધિકાર આધારિત સ્વરૂૂપની પુન:સ્થાપના કરવા કોંગ્રેસ પક્ષ દ્વારા માંગણી કરેલ છે.
