સુરત: સચિનના ખાનગી ગોડાઉનમાં ભીષણ આગ

સુરતના સચિન વિસ્તારમાં આવેલી એક ખાનગી કંપનીના ગોડાઉનમાં આજે(11 માર્ચ) અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ભારે દોડધામ અને નાસભાગનો માહોલ સર્જાયો હતો. આગ…

સુરતના સચિન વિસ્તારમાં આવેલી એક ખાનગી કંપનીના ગોડાઉનમાં આજે(11 માર્ચ) અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ભારે દોડધામ અને નાસભાગનો માહોલ સર્જાયો હતો.

આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટા દૂર-દૂર સુધી આકાશમાં દેખાઈ રહ્યા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક ’મેજર કોલ’ જાહેર કરવામાં આવ્યો હતો, જેથી આસપાસના વિસ્તારોમાંથી પણ વધારાની મદદ બોલાવવી પડી હતી.

આગ પર કાબૂ મેળવવા માટે અત્યાર સુધીમાં ફાયર બ્રિગેડની 20થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
નોટિફાઈડ એરિયાના ફાયર ફાઈટરોની સાથે અન્ય સ્ટેશનોથી પણ વધુ ટીમોને મદદ માટે રવાના કરવામાં આવી છે. હાલમાં ફાયરના જવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવીને આગને વધુ પ્રસરતી અટકાવવા અને તેના પર સંપૂર્ણ કાબૂ મેળવવાના પ્રયાસો યુદ્ધના ધોરણે ચાલુ છે. સદનસીબે, હજુ સુધી આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી.

અમદાવાદમાં બિલ્ડિંગના પાર્કિંગમાં આગ લાગતા 10થી વધુ કાર ખાખ
અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા કીયા ગાડીના શો રૂૂમના પાર્કિંગમાં આજે(11 માર્ચ) અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ આગ બિલ્ડિંગના પાર્કિંગ વિસ્તારમાં લાગી હતી, જેના કારણે ત્યાં પાર્ક કરેલા વાહનો જોતજોતામાં આગની લપેટમાં આવી ગયા હતા. કાળા ધુમાડાના ગોટા દૂર-દૂર સુધી જોવા મળતા સ્થાનિક લોકોમાં ફાળ પડી હતી. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ, આ દુર્ઘટનામાં 10થી વધુ કાર બળીને ખાખ થઈ ગઈ છે, જેના કારણે મોટું આર્થિક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *