રાજકોટ: જિલ્લા કલેક્ટર અને જિલ્લા પુરવઠા અધિકારીની સૂચના હેઠળ આજે કોટડા સાંગાણી તાલુકાના સાપર ગામે પુરવઠા વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. રાજકોટના કોટડા સાંગાણી વિસ્તારમાં દરોડા દરમિયાન ગામમાં અનઅધિકૃત રીતે વેચાણ થતા નાના-મોટા કુલ 42 ગેસ સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યા છે.રૂૂ. 48,000 થી વધુનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે.
આ કામગીરી રાજકોટ જિલ્લા કલેક્ટર તથા જિલ્લા પુરવઠા અધિકારીના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. જેમાં કોટડા સાંગાણીના મામલતદાર તથા સ્થાનિક પોલીસની ટીમે સાથે રહીને દરોડા પાડ્યા હતા. ગેરકાયદેસર રીતે ગેસનું વેચાણ કરતા તત્વો સામે આ કડક કાર્યવાહીથી ફફડાટ વ્યાપી ગયો છે. જપ્ત કરાયેલા તમામ સિલિન્ડરોને સીઝ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
