કેશોદમાં ફિલ્મી ચેજ દરમિયાન બુટલેગરે કાર પરનો કાબુ ગુમાવ્યો, રસ્તા પર દારૂની રેલમછેલ
જૂનાગઢ લોકલ ક્રાઈમ બ્રાન્ચે કેશોદ પંથકમાં દારૂૂની હેરાફેરી કરતા બુટલેગરો પર લાલ આંખ કરી છે. મંગલપુર ફાટક પાસે પોલીસ દ્વારા કરવામાં આવેલા ફિલ્મી ઢબે પીછો દરમિયાન એક ઇનોવા કાર પલટી મારી ગઈ હતી. આ અકસ્માત બાદ કારમાંથી લાખો રૂૂપિયાની કિંમતનો વિદેશી દારૂૂનો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ ઘટનામાં ત્રણ બુટલેગરો ઇજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જ્યારે અન્ય બે શખસ પોલીસને હાથતાળી આપી નાસી છૂટવામાં સફળ રહ્યા છે.
જૂનાગઢ એલસીબીને ચોક્કસ ખાનગી બાતમી મળી હતી કે, એક સિલ્વર કલરની ઇનોવા કારમાં વિદેશી દારૂૂનો મોટો જથ્થો ભરીને બુટલેગરો મંગલપુર ફાટકથી મઢડા ગામ તરફ જઈ રહ્યા છે. આ માહિતીના આધારે પોલીસે સ્થળ પર વોચ ગોઠવી હતી. પોલીસને જોતા જ બુટલેગરોએ પોતાની ઇનોવા કાર (GJ 11 BR 9873) પૂરપાટ ઝડપે હંકારી મૂકી હતી. પોલીસે પણ તરત જ સરકારી વાહનો સાથે આ કારનો પીછો શરૂૂ કર્યો હતો. રસ્તા પર પકડાઈ જવાના ડરથી બુટલેગરોએ કાર પરનું નિયંત્રણ ગુમાવ્યું હતું અને ઇનોવા કાર પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતને પગલે ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી.
અકસ્માત સર્જાતા જ કારમાં સવાર પાંચ શખસમાંથી બે અંધારાનો લાભ લઈને નાસી છૂટ્યા હતા. જ્યારે અન્ય ત્રણ શખસ કારની અંદર જ ફસાઈ ગયા હતા અને તેમને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. પોલીસે તાત્કાલિક ધોરણે ઇજાગ્રસ્ત આરોપીઓ દુદા દેવરાજ કોડીયાતર, નયન ટપુ વંશ અને બાલુ દાના કોડીયાતરને કેશોદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યા હતા. બીજી તરફ, નાસી છૂટેલા આરોપીઓ પરેશ દાના કોડીયાતર અને કરસન કાના કોડીયાતરની શોધખોળ માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરવામાં આવી છે.
પોલીસે પલટી મારેલી ઇનોવા કારની તલાશી લેતા તેમાંથી નાની-મોટી કુલ 975 નંગ ઇંગ્લિશ દારૂૂની બોટલો મળી આવી હતી. આ દારૂૂના જથ્થાની બજાર કિંમત અંદાજે 2,14,860 રૂૂપિયા જેટલી થાય છે. દારૂૂ ઉપરાંત પોલીસે ઘટનાસ્થળેથી ઇનોવા કાર અને બુટલેગરોના મોબાઈલ ફોન સહિત કુલ 12,34,860 રૂૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલમાં પકડાયેલા ત્રણેય આરોપી પોલીસના પહેરા હેઠળ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને તેમની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
