સન્ની પાજીના ઢાબાનો અંતે સંકેલો

ડેપ્યુટી મેયર સાથે બબાલ બાદ કલેક્ટર તંત્રએ દબાણ દૂર કરવા નોટિસ આપ્યા બાદ જાતે જ છાપરા ઉતારી લીધા જામનગર રોડ ઉપર આવેલ અને ફાસ્ટફૂડમાં ફેમસ…

ડેપ્યુટી મેયર સાથે બબાલ બાદ કલેક્ટર તંત્રએ દબાણ દૂર કરવા નોટિસ આપ્યા બાદ જાતે જ છાપરા ઉતારી લીધા

જામનગર રોડ ઉપર આવેલ અને ફાસ્ટફૂડમાં ફેમસ તેમજ તાજેતરમાં જ રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર સાથે બબાલ કરનાર સન્ની પાજી દ્વારા પોતાના ઢાબાના પાટિયા જાતે જ ઉતારી લેવામાં આવ્યા છે. સરકારે ખરાબામાં રેસ્ટોરન્ટ ચાલુ હોવાનું માલુમ થતાં કલેક્ટર દ્વારા નોટીસ ફટકારી દબાણ દૂર કરવા આદેશ આપવામાં આવ્યો હતો. જે અંતર્ગત આજે સન્નીપાજીએ પોતાના ધાબાનો સંકેલો કરી લીધો હતો.

જામનગર રોડ પર આવેલ પરાપીપળિયા નજીક રાજકોટના સન્નીપાજી દ્વારા સરકારી ખરાબા પર કબ્જો કરી સન્નીપાજી દા ધાબા નામે રેસ્ટોરન્ટ ધમધમતુ કરવામાં આવ્યું હતું. આ રેસ્ટોરન્ટ ગેરકાયદેસર હોવાના કારણે રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી દ્વારા સન્ની પાજીને નોટીસ ફટકારવામાં આવી હતી. અને પોતાના રેસ્ટોરન્ટનું દબાણ દૂર કરવા સૂચના અપાઈ હતી. જે અંતર્ગત આજે સન્નીપાજી દ્વારા પોતાના રેસ્ટોરન્ટના પાટિયાઓ ઉતારી લેવામાં આવ્યા હતાં. તેમજ જાતે જ રેસ્ટોરન્ટનું ડિમોલેશન કરી સંકેલો કરવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત મહિને રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજાના મહેમાનો આ રેસ્ટોરન્ટમાં જમવા માટે ગયા હતાં. જેના બીલ લેવા બાબતે સન્ની પાજી સાથે બબાલ થઈ હતી. આ બબાલ બાદ સન્નીપાજીએ પીસીઆર વાનને ખુદ ફોન કરી બોલાવી હતી. તેવી નોંધ પોલીસ ચોપડે બોલાઈ હતી. સન્ની પાજીના ગેરકાયદેસર ચાલતા ધાબા પર કલેક્ટરે પણ લાલ આંખ કરી હોવાના કારણે આ ધંધો સમેટી લેવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી સરકારના ખરાબા પર ભૂમાફિયાઓ દ્વારા કબ્જો કરી લેવામાં આવ્યો છે. અને બાંધકામો ખડકી ધંધાઓ શરૂ કરી દીધા છે. આવા સરકારી ખરાબામાં કબ્જો કરનાર ભૂમાફિયાઓ સામે રાજકોટ કલેક્ટર તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે અને ડિમોલેશનની કાર્યવાહી કરાઈ રહી છે. ત્યારે રાજકોટ કલેક્ટરે સન્નીપાજીના ગેરકાયદેસર ધાબાને પણ નોટીસ ફટકારી બંધ કરવા માટે સુચના આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *