મોડી રાત્રે બેફામ ઝડપે ઇનોવા ચલાવી બે અકસ્માત સર્જયા, બે વીજપોલ ઉખેડી કાર લોખંડના ડેલામાં ઘુસી ગઇ
સરખેજ-ધોળકા રોડ પર આવેલાં ભાત ગામમાં ગઈકાલે મોડી રાતે અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં ભાત ગામે નશામાં ધૂત એક યુવકે ઓવરસ્પીડમાં ઈનોવા કાર હંકારીને એક આધેડને અડફેટે લઈને પાંચ ફૂટ સુધી ઢસડ્યા હતા અને કાર એક ઘરમાં ઘૂસાડી દીધી હતી. આ ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં અશોકભાઈ પ્રજાપતિ નામના આધેડનું ઘટના સ્થળે મોત થયું હતું.
આ ઘટના બાદ આરોપી ત્યાંથી ભાગી ગયો હતો. સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતાં કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. પ્રત્યક્ષદર્શી રવિભાઈ જણાવ્યા મુજબ, રાત્રે 11.20 વાગ્યાની આસપાસ હોળી ચકલાનામની ભાત ગામની મુખ્ય બજારમા એક અશોકભાઈ મથુરભાઈ પ્રજાપતિ નામના એક આધેડ ઊભા હતા. ત્યારે કાસિન્દ્રા બાજુથી એક ઈનોવા કાર GJ 01 WM 0872માં અંશ ભરતભાઈ ઠાકોર નશામાં ઘૂત ઓવરસ્પીડમાં કાર હંકારીને આવ્યો હતો. પહેલાં તેણે UGVCLના બે થાંભલા સાથે કાર અથડાવી આ પછી આધેડને અડફેટે લઈને કાર ધર્મભક્તિ ડેલા નામના ઘરમાં લોખંડનો દરવાજો તોડીને કાર અંદર ઘૂસાડી દીધી હતી. આ ઘટનામાં આધેડ 5 ફૂટ જેટલાં કારની સાથે ઢસડ્યા હતા. જેમના માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેમનું ઘટના સ્થળે મોત થયું હતું.
તેમણે વધુમાં જણાવ્યું કે, આ ઉપરાંત હોળી ચકલાનામની ભાત ગામ નજીક અન્ય બે યુવાનોને પણ અડફેટે લીધા હતાં. જેમને સામાન્ય ઈજા થઈ છે. અકસ્માત વખતે કારમાં આરોપી સાથે બે વ્યક્તિ પણ સવાર હતાં. જે ઘટના બાદ ત્યાંથી ફરાર થઈ ગયા હતાં. આ ઘટનાની જાણ થતાં ત્યાં હાજર લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. આ પછી પોલીસે ઘટના સ્થળે તપાસ કરી આરોપી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, થર્ટીફર્સ્ટને લઇને પોલીસ દ્વારા શહેરમાં હાઇવે ઉપર મોટાપાયે ચેકિંગ હાથ ધરવામાં આવી છે. આમ છતા રાત્રે દારૂ ઢીંચી નબીરાએ અકસ્માત સર્જતા પોલીસ ચેકિંગની કામગીરી સામે સવાલો ઉઠયા છે.
