શહેરમાં આપઘાત અને આત્મહત્યાના પ્રયાસોની ઘટનામાં દિનબદીન વધારો થઈ રહ્યો હોય તેમ જુદા જુદા 8 સ્થળે 8 લોકોએ જવલનશીલ પ્રવાહી પી આપઘાતના પ્રયાસ કર્યા છે. આઠેય લોકોને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજેશ્રી સિનેમા પાછળ રહેતી અને બાલાજી મંદિર પાસે આંકડાની માળા વેચતી પુજાબેન બલવંતભાઈ સોલંકી નામની 22 વર્ષની પરિણીતાને તેના જેઠ રામુએ દારૂના નશામાં ગાળો ભાંડી હતી.
જેથી પુજાબેનને લાગી આવતાં એસીડ પી લીધું હતું. જીવંતિકાનગરમાં રહેતી પલ્વીબેન જયદીપસિંહ ડાભી નામની 21 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે ફિનાઈલ પી લીધું હતું. રણુજા મંદિર પાછળ આવેલી સોમનાથ સોસાયટીમાં રહેતી નૈતિક કલ્પેશભાઈ ગોહેલ (ઉ.14)એ માતા-પિતાના ઝઘડાથી કંટાળી ફિનાઈલ પી લીધું હતું. રૈયા ગામ સ્માર્ટ સિટીમાં રહેતાં રૂપલબેન જયેશભાઈ સોની નામની 37 વર્ષની પરિણીતાએ માનસિક ડિપરેશનના કારણે ઉંઘની વધુ પડતી ગોળીઓ પી લીધી હતી. કાલાવડ રોડ પર આંબેડકરનગરમાં રહેતાં શારદાબેન હિમતભાઈ જાદવ (ઉ.55)એ રાત્રીના સમયે અકળ કારણોસર ફિનાઈલ પી લીધું હતું.
જલજીત સોસાયટીમાં રહેતાં દેવરાજભાઈ કરશનભાઈ મોરી (ઉ.70)એ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. મેટોડામાં રહેતાં અલ્પેશ અશોકભાઈ મકવાણા (ઉ.26)એ એસિડ પી લીધું હતું. જ્યારે માધાપરમાં રહેતાં વિશાલ નવનીતભાઈ રાઠોડ (ઉ.21)ને પિતાએ વહેલા ઉઠવાનું કહેતા ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર સગીર સહિત આઠેય લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. આ ઉપરાંત બીજા બનાવમાં કાલાવડ રોડ પર હરિપર ગામે રહેતાં અમૃતાબેન ભાણાભાઈ વાળા (ઉ.50) વિરડા વાજડી ગામે હતાં ત્યારે કાજલબેન સહિતના શખ્સોએ નજીવા પ્રશ્ર્ને ઝઘડો કરી માર માર્યો હતો. પ્રૌઢાને ઈજા પહોંચતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
