મૃતક વૃધ્ધના પરિવારમાં શોક છવાયો
વડીયા તાલુકાના અનીડામા રહેતા એક વૃધ્ધ પોતાનુ બાઇક લઇને બગસરા તાલુકાના પીઠડીયા નજીકથી પસાર થઇ રહ્યાં હતા ત્યારે ધણખુટ સાથે બાઇક અથડાતા તેમને માથામા ગંભીર ઇજા પહોંચતા મોત નિપજયું હતુ. વડીયાના અનીડામા રહેતા લખમણભાઇ અંબાવીભાઇ ભુત (ઉ.વ.72) પોતાનુ બાઇક લઇને અહીથી પસાર થઇ રહ્યાં હતા.
ત્યારે ગઇકાલે સવારના સવા પાંચેક વાગ્યે પીઠડીયા ગામ નજીક પુલ પાસે એક ધણખુટ સાથે બાઇક અથડાયુ હતુ. વૃધ્ધ નીચે પટકાતા તેમને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. વૃધ્ધને દવાખાને ખસેડાયા હતા. જો કે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. વૃધ્ધની લાશને પીએમ માટે ખસેડવામા આવી હતી. બનાવ અંગે રાજેશભાઇ લખમણભાઇ ભુતે બગસરા પોલીસ મથકમા જાણ કરી હતી. વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ ડી.ટી.બળસટીયા ચલાવી રહ્યાં છે.
