રાજકોટમાં રહેતા અને મોબાઈલની દુકાન ધરાવતો યુવાન પોતાનું બાઈક લઈને ટંકારાના મિતાણા ગામે કામ સબબ જતો હતો ત્યારે મિતાણા ગામ નજીક અચાનક રસ્તા પર ગાય આડી ઉતરતા યુવાને ડ્રાઈવીંગ કરનો કાબુ ગુમાવતાં બાઈક સ્લીપ થયું હતું. બાઈક અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકનું મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટમાં ઘંટેશ્ર્વર વિસ્તારમાં આવેલા વર્ધમાનનગરમાં રહેતા યુવરાજસિંહ અનિરૂધ્ધસિંહ સરવૈયા નામનો 34 વષર્ર્નો યુવાન રાત્રીના સાડા આઠેક વાગ્યાના અરસામાં ટંકારાના મિતાણા ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક રસ્તા પર ગાય ધસી આવતાં યુવરાજસિંહ સરવૈયાએ ડ્રાઈવીંગ પરનો કાબુ ગુમાવતાં બાઈક સ્લીપ થયું હતું. બાઈક અકસ્માતમાં ઘવાયેલા યુવકને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો.
જ્યાં તેનું મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પ્રાથમિક પુછપરછમાં મૃતક યુવરાજસિંહ સરવૈયા બે ભાઈ એક બહેનમાં મોટો હતો અને રામાપીર ચોકડી પાસે શિવ મોબાઈલ એસેસીરીઝની દુકાન ધરાવતો હતો. મિતાણા ગામે કામ સબબ જઈ રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બનાવ અંગે ટંકારા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
