રખડતા ઢોરે વધુ એક ભોગ લીધો : રસ્તામાં આખલો આડો ઉતરતા બાઈક સવાર દંપતી ખંડિત

કાળીપાટ પાસેની ઘટના : લૌકિક ક્રિયામાંથી પરત ફરતી વખતે મહિલાને કાળ ભેટી ગયો શહેરમાં આવેલી શ્રમજીવી સોસાયટીમાં રહેતું દંપતિ અણિયારા ગામથી લૌકીક ક્રિયા પતાવી પરત…

કાળીપાટ પાસેની ઘટના : લૌકિક ક્રિયામાંથી પરત ફરતી વખતે મહિલાને કાળ ભેટી ગયો

શહેરમાં આવેલી શ્રમજીવી સોસાયટીમાં રહેતું દંપતિ અણિયારા ગામથી લૌકીક ક્રિયા પતાવી પરત ફરતું હતું ત્યારે ત્રંબા અને કાળીપાટ વચ્ચે રસ્તા પર અચાનક આખલો ધસી આવતાં યુવાને ડ્રાઈવીંગ પરનો કાબુ ગુમાવતાં બાઈક સ્લીપ થયું હતું. જે અકસ્માતમાં દંપતિને ઈજા પહોંચી હતી. જેમાં ગંભીર રીતે ઘવાયેલી પરિણીતાનું મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

શહેરમાં શ્રમજીવી સોસાયટી-2માં રહેતી રિનાબેન પિયુષભાઈ દુધરેજીયા નામની 30 વર્ષની પરિણીતા સવારના સાડા દસેક વાગ્યાના અરસામાં પોતાના પતિ પિયુષભાઈ દુધરેજીયાના બાઈક પાછળ બેસી ત્રંબાથી કાળીપાટ ગામ તરફ આવતી હતી ત્યારે રસ્તામાં અચાનક આખલો આડો ઉતરતા પિયુષભાઈ દુધરેજીયાએ ડ્રાઈવીંગ પરનો કાબુ ગુમાવતાં બાઈક સ્લીપ થયું હતું. બાઈક અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલી રિનાબેન દુધરેજીયાને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી. જ્યાં રિનાબેને ટૂંકી સારવાર દરમિયાન હોસ્પિટલના બીછાને દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી.

પ્રાથમિક પુછપરછમાં મૃતક રિનાબેનને સંતાનમાં એક પુત્ર છે. રિનાબેન અને તેના પતિ પિયુષભાઈ દુધરેજીયા અણિયારા ગામે લૌકીક ક્રિયામાં ગયા હતાં અને જ્યાંથી પરત ફરતાં હતાં ત્યારે રસ્તામાં આખલો આડો આવતાં સર્જાયેલા બાઈક અકસ્માતમાં પરિણીતાનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે આજી ડેમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *