સંઘર્ષ કરીને થાકેલા યુવાનને અંત ઘર યાદ આવ્યું, ગોંડલના ખડવંથલી ગામનો ફિલ્મ સ્ટોરી જેવો કિસ્સો
ગોંડલ તાલુકાનાં ખડવંથલી નાં રહેવાસી અને હાલ રાજકોટ રહેતા ભરવાડ પરીવાર નો એકનો એક પુત્ર 14 વર્ષ ની ઉમરે ઘર છોડી ચાલ્યો ગયા બાદ 25 વર્ષે ઘરે પરત ફરતા પરીવાર માં ખુશીનો માહોલ છવાયો હતો.પુત્ર નાં વિરહ માં ભાંગી પડેલા અને બિમાર રહેતા પિતાને જાણે નવી જિંદગી મળી એવો હરખ હતો.
પ્રાપ્ત વિગત મુજબ મુળ ખડવંથલી નાં અને હાલ રાજકોટ નાણાવટી ચોક સરકારી ક્વાર્ટર માં રહેતા ચકાભાઇ ભુંડીયા ને એક પુત્ર અને ચાર પુત્રીઓ છે.આર્થિક અતિ નબળી પરિસ્થિતિ વચ્ચે જીવનનું ગાડુ ગબડતું હતુ.પિતા અને 14 વર્ષ નાં પુત્ર પુનાને જીવનનિર્વાહ તથા ચાર ચાર દિકરીઓ ને પરણાવવાની મોટી જવાબદારી હતી.
પુનાભાઇ એ રાજકોટ માં મજુરી શરુ કરી, પરંતુ આછી પાતળી આવકમાં બે છેડા ભેગા કરવા મુશ્કેલ બનતા બહાર જઈ કંઇક કમાઇ ને પરીવાર ને મદદરૂૂપ થવા માટે 14 વર્ષ ની ઉમરે ઘર છોડ્યુ. થોડો સમય કચ્છ માં રહી બાદ માં અમદાવાદ પંહોચ્યા. મહેનત મજુરી કરી બહેનો નાં લગ્ન કરાવી પિતાનો આધાર બનવા ની લગન માં અમદાવાદ ને આશ્રય સ્થાન બનાવ્યું.
આ બાજુ એકનો એક પુત્ર ઘર છોડી ચાલ્યો જતા ચકાભાઇ ઉપર જાણે આભ તુટી પડ્યુ.પુત્ર ની અનેક જગ્યાએ શોધખોળ કરી પણ કોઈ પતો લાગ્યો નહી.આખરે દિલ પર પત્થર ધરબી જીવનડગર ને આગળ ધપાવી.સમય નું ચક્ર ફરતુ ગયુ.દિકરીઓ એક પછી એક મોટી થતી ગઇ, સમય ક્યારેય બંધાતો નથી.પુત્ર ની રાહ મા ને રાહ માં દિકરીઓ નાં લગ્ન પણ થઇ ગયા.હવે ઘડપણ માં પુત્ર નો વલોપાત રોગ બની શરીર માં પ્રસરી ગયો હોય તેમ ચકાભાઇ બિમાર રહેવા લાગ્યાં.
બીજી બાજુ જે અરમાનો સાથે પુનાભાઇ એ ઘર છોડ્યું હતું કે સારી કમાણી કરી પિતાને મદદરૂૂપ થવું એ સ્વપ્ન અઘરુ બનતું ગયુ.મજુરી કામ માં ખુબ થોડા પૈસા મળતા હતા. ચા ની કિટલી પર કે કડીયાકામ થી લઇ અનેક કામ કર્યા.પણ જીવન દોહ્યલુ છે.એ વાસ્તવિકતા નજર સામે આવી.ટુંકી મજુરી માં બચત થવી મુશ્કેલ હતી.હવે ઘરે પરત ફરી મોઢું કઇ રીતે બતાવવું?
અહી પણ સમય નું ચક્ર ફરતું ગયુ.નિરાશા તન,મન ને ઘેરી વળી,14 વર્ષ ની વયે પુનાભાઇ એ ઘર છોડ્યું હતું.આજે તે 40 વર્ષ નાં હતાં. માત્ર મજુરી થી ઘર પરિવાર નો નિભાવ શક્ય નાં હોય અને તકદિર પણ સાથ આપતું નાં હોય પુનાભાઇ માનશીક તુટી ગયાં.અને બિમારી એ ઘર કર્યુ.
છેલ્લે માંદગી એટલી હદે વધી કે લોહીની ઉલ્ટીઓ થવા લાગી.આખરે ઘર યાદ આવ્યું. અમદાવાદ નાં ઓઢવ માં કેટલાક પરીચીત બનેલા રિક્ષા ચાલકોને ગોંડલ નાં ખડવંથલી ની હકીકત કહી સરનામુ આપ્યું.
માનવતાવાદી રિક્ષા ચાલકો એ વાયા મિડીયા પુનાભાઇ નાં પરીવાર સુધી વાત પહોચાડી અને આખરે 25 વર્ષે પુનાભાઇ નો પરીવાર સાથે ભેટો થયો. આ વિતકકથા માં ગોંડલ નાં માનવતા વાદી તબીબ ડો.રાદડીયાએ સરાહનીય કાર્ય કર્યુ.પુનાભાઇ ની સંઘર્ષ કથામાં નિષ્ફળતા એ તેમને નિર્બળ બનાવી મુકતા તેમના ફેફસા માત્ર વીસ ટકા કાર્યરત હતા.વધુમાં હોજરી અને આંતરડા માં અલ્સર થયુ હતુ.
આવી સ્થિતિ માં ડો.રાદડીયાએ પુનાભાઇ ની સારવાર શરુ કરી.સ્નેહ સાથેની સારવાર થી કૃશક બની ગયેલા પુનાભાઇ માં નવી ચેતના આવી.અને પરીવારે પણ તબીબ રાદડીયા અને ઇશ્ર્વર નો આભાર માન્યો.
