કુવાડવામાં એસટી બસના ચાલકે ત્રણ છાત્રાને ઉલાળી: એકનું મોત, ચાલક સામે નોંધાતો ગુનો

મૃતક ધો.10માં અભ્યાસ કરતી હતી: યુવતીના મોતથી પરિવારમાં શોક કુવાડવા ગામમાં ગઈકાલે બપોરે એસ.ટી. બસની ત્રણ છાત્રાઓને ઠોકર લાગતા તેમાંથી એક છાત્રાનું બસના પાછલા વ્હીલના…

મૃતક ધો.10માં અભ્યાસ કરતી હતી: યુવતીના મોતથી પરિવારમાં શોક

કુવાડવા ગામમાં ગઈકાલે બપોરે એસ.ટી. બસની ત્રણ છાત્રાઓને ઠોકર લાગતા તેમાંથી એક છાત્રાનું બસના પાછલા વ્હીલના જોટામાં આવી જતા કમકમાટીભર્યું મૃત્યું નિપજયું હતું. જયારે બાકીની બે છાત્રાને ઈજા થઈ હતી. કૂવાડવા રોડ પોલીસે એસ.ટી. બસના ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.મળતી માહિતી મુજબ,વાંકાનેરના ખખાણા ગામે રહેતી અંજુ ગઢાદરા (ઉ.વ.1પ) કુવાડવામાં આવેલી ગ્રામ પંચાયત સંચાલિત સ્કૂલમાં ધો.10માં અભ્યાસ કરે છે. ખખાણા ગામના અંદાજે 60 જેટલા છાત્રો પણ આ જ સ્કૂલમાં અભ્યાસ કરે છે. આ તમામ છાત્રો દરરોજ એસ.ટી. બસમાં અપ-ડાઉન કરે છે.

ગત બપોરે 1ર-30 વાગ્યે શાળા છુટયા બાદ અંજુ અન્ય છાત્રો સાથે એસ.ટી. બસમાં ઘરે જવા વાંકાનેર ચોકડી પહોંચી હતી.જયાં એસ.ટી. બસ આવતાં જ તેની ઠોકર લાગતાં અંજુ સહિત ત્રણ છાત્રાઓ ઘવાઈ હતી. જેમાંથી અંજુના સાથળના ભાગેથી બસના તોતિંગ વ્હીલ ફરી વળ્યા હતા. ત્રણેય છાત્રાને હોસ્પિટલે ખસેડાઈ હતી. જેમાંથી ગંભીર રીતે ઘાયલ અંજુએ ખાનગી હોસ્પિટલમાં સાંજે સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. અંજુના પિતા રાજકોટની એચ.જે. સ્ટીલમાં કામ કરે છે. અંજુ બે બહેન અને એક ભાઈમાં વચેટ હતી. તેના મોતથી પરિવારમાં કલ્પાંત મચી ગયો હતો.

જાણ થતાં કુવાડવા ગામના સરપંચ સંજયભાઈ પીપળીયા સ્થળ પર દોડી ગયા હતા. તેમણે જણાવ્યું કે કુવાડવાથી એસ.ટી.બસો સીધી ખખાણા જતી નથી, જેને કારણે ખખાણા રહેતા છાત્રોને સૂર્યા રામપરા ગામે ઉતરી 3 કિ.મી. પગપાળા જઈ ખખાણા સુધી જવું પડે છે. આ અંગે ખખાણાના છાત્રો માટે ખાસ એસ.ટી. બસ શરૃ કરવા રજૂઆત કરાઈ છે છતાં આજ સુધી બસ શરૃ કરાઈ નથી.

તેમણે વધુમાં જણાવ્યું કે, અંજુ એસ.ટી.બસ આવતા તેમાં ચડવા જતી હતી ત્યારે અચાનક ડ્રાઈવરે બસ ચલાવતાં આ અકસ્માત સર્જાયો હતો. જયારે કુવાડવા રોડ પોલીસના સૂત્રોએ બસની ઠોકર લાગ્યા બાદ અંજુ પાછલા વ્હીલના જોટામાં આવી ગયાનું જણાવ્યું હતું. તેની સાથે ઘવાયેલી અન્ય બે છાત્રાઓમાં હેતલબેન અને રીંકલબેનનો સમાવેશ થાય છે. કુવાડવા રોડ પોલીસે અંજુના પિતા ધનજીભાઈની ફરિયાદ પરથી એસ.ટી. બસના ડ્રાઈવર સામે ગુનો દાખલ કર્યો હતો. બસ વાંકાનેર-રાજકોટ અને વાંકાનેર રૃટની હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *