ગોંડલ કોર્ટ મુદતે જઈ રહેલા એસઆરપી જવાનનું ઓખા-વેરાવળ ટ્રેનમાં હાર્ટએટેકથી મોત

ઓખાથી વેરાવળ આવતી પેસેન્જર ટ્રેનમાં મુસાફરી કરી રહેલા એસઆરપી ગ્રુપ-21ના જવાન સુરજભાઈ મોતીભાઈ પૂજાકર (ઉંમર 38)નું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં…

ઓખાથી વેરાવળ આવતી પેસેન્જર ટ્રેનમાં મુસાફરી કરી રહેલા એસઆરપી ગ્રુપ-21ના જવાન સુરજભાઈ મોતીભાઈ પૂજાકર (ઉંમર 38)નું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ હતી. જવાન ગોંડલ ખાતે કોર્ટ મુદત માટે નીકળ્યા હતા, પરંતુ મુસાફરી દરમિયાન તેમનું નિધન થયું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, મીઠાપુરથી જનરલ ડબ્બામાં મુસાફરી કરી રહેલા સુરજભાઈ પૂજાકર ટ્રેનમાં નિદ્રાવસ્થામાં હતા. ગોંડલ સ્ટેશન આવતા તેઓ ઉતર્યા નહોતા અને ટ્રેન અંતિમ સ્ટેશન વેરાવળ પહોંચી હતી. તમામ મુસાફરો ઉતરી ગયા બાદ રેલવે સ્ટાફ લાઈટ, પંખા અને દરવાજા બંધ કરવા તથા સાફ-સફાઈ માટે ડબ્બામાં ગયા ત્યારે જવાન બેભાન હાલતમાં જોવા મળ્યા હતા.

આ ઘટનાની જાણ તાત્કાલિક સ્ટેશન માસ્ટરને કરવામાં આવી હતી. જેના પગલે રેલવે પોલીસ કોન્સ્ટેબલ રાજદિપસિંહ ઝાલા અને મેણશી જેઠવા સ્થળ પર પહોંચ્યા હતા. 108 એમ્બ્યુલન્સ મારફતે જવાનને વેરાવળ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા.
બાદમાં રેલવે આઉટપોસ્ટના એએસઆઈ ભુરાભાઈ જે. કરગઠીયાએ મૃતકના થેલા અને પર્સની તપાસ કરતા એસઆરપી ગ્રુપ-21નું ઓળખપત્ર, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને મોબાઈલ મળી આવ્યા હતા. આ આધારે મૃતકના પરિવારજનો પિતા અને બહેનને જાણ કરવામાં આવી હતી. સોમનાથ મંદિર ખાતે ફરજ બજાવતા એસઆરપી કંપનીના અધિકારીઓને પણ બોલાવવામાં આવ્યા હતા, જેમણે હોસ્પિટલમાં પહોંચીને મૃતકની ઓળખ કરી હતી.

પ્રાથમિક તપાસમાં જવાનનું મોત હાર્ટ એટેકથી થયાનું અનુમાન છે. સમગ્ર ઘટનાની વધુ તપાસ વેરાવળ રેલવે પોલીસના એએસઆઈ ભુરાભાઈ કરગઠીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *