આપઘાતનું કારણ જાણવા પોલીસે તપાસ યથાવત રાખી
રાપર તાલુકાના નૂતન ચિત્રોડ ગામમાં રહેનાર હરેશ ભગુભાઈ કોળી (ઉ.વ. 20) તથા કૌટુંબિક માસી શૈલાબેન ઉર્ફે કોયલબેન બચુ કોળી (ઉ.વ. 30) (રહે. પાટડી-સુરેન્દ્રનગર)એ સજોડે ગળેફાંસો ખાઈ પોતાનાં જીવનનો અંત આણ્યો હતો. ચિત્રોડમાં રહેનાર હરેશ કોળી નામનો યુવાન ગાંધીધામ તાલુકાના પડાણા ખાતે મીઠાના કારખાનામાં પરિવાર સાથે કામ કરતો હતો તેમજ તેના કૌટુંબિક માસી શૈલાબેન પણ ત્યાં જ પોતાના પતિ, બે સંતાન સાથે રહી મીઠાનાં કારખાનાંમાં કામ કરતા હતા. આ બંને માસી-ભાણેજ ગત તા. 7/2ના પડાણા કારખાનાથી ચિત્રોડ ખાતે બપોરે હરેશના ઘરે આવી ગયા હતા અને તા. 7/2ના રાત્રે 10થી તા. 12ના સવારે 8 વાગ્યા દરમ્યાન બન્નેએ સજોડે આપઘાત કરી લીધો હતો.
પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું કે, આ બન્ને ચિત્રોડ બપોરે આવ્યા બાદ રાત્રે ઘરનો દરવાજો અંદરથી બંધ કરી પંખાના હૂકમાં શૈલાબેનની સાડી બાંધી એક છેડે મહિલાએ તથા બીજા છેડે યુવાને ગળેફાંસો ખાઈ અનંતની વાટ પકડી હતી. સવારે હરેશના કાકા કાનજી મોતી કોળી ત્યાં આવીને જોતાં દરવાજો અંદરથી બંધ હતો. તેમણે બારીમાંથી જોતાં આ બન્ને ગળેફાંસો ખાઈ લટકતી હાલતમાં દેખાયા હતા. બન્નેએ કેવા કારણોસર સજોડે આપઘાત કર્યો હશે તેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. બનાવવાળી જગ્યાએ કોઈ ચિઠ્ઠી કે મોબાઈલમાં વીડિયો કે એવું કાંઈ અત્યારે મળ્યું નથી. આગળની તપાસ ચાલુમાં હોવાનું તપાસકર્તા ગાગોદર પી.આઈ. વી. એ. સેંગલે જણાવ્યું હતું.
