1400 ગ્રામ સોનું ઓળવી ગયાની ફરિયાદ થતાં સોની દંપતીએ ઝેર પી લીધું

  ઔરંગાબાદ પોલીસ આવીને ઘરમાં સામાન વેરવિખેર કરી જતાં ડરના માર્યા પગલુ ભર્યાનુ તારણ, કુવાડવા નજીક રામધામ મંદિરે સજોડે આપઘાતનો પ્રયાસ રાજકોટના મોરબી રોડ પર…

 

ઔરંગાબાદ પોલીસ આવીને ઘરમાં સામાન વેરવિખેર કરી જતાં ડરના માર્યા પગલુ ભર્યાનુ તારણ, કુવાડવા નજીક રામધામ મંદિરે સજોડે આપઘાતનો પ્રયાસ

રાજકોટના મોરબી રોડ પર આવેલા જે.કે. એપાર્ટમેન્ટમાં રહેતા સોની સમાજના વેપારી વિશાલ હરકિશનભાઈ ઝિંઝુવાડીયા (ઉં.વ. 41) અને તેમના પત્ની પૂજાબેન (ઉં.વ. 39) એ ગઈકાલે રાત્રિના સમયે કુવાડવા પાસે આવેલા રામધામ મંદિર નજીક ફિનાઈલ પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાની જાણ થતા જ બંનેને તાત્કાલિક અસરથી રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. વિશાલભાઈ મૂળ સોની કામના વ્યવસાય સાથે જોડાયેલા છે, પરંતુ હાલમાં તેઓ રેલનગર વિસ્તારમાં ’શ્રી હરિ કચ્છી દાબેલી બ્રેડ’ નામે ખાણીપીણીનો ધંધો ચલાવી રહ્યા છે. આ દંપતી સંતાનમાં એક દીકરો અને બે દીકરીઓ ધરાવે છે, જેઓ આ ઘટનાથી સ્તબ્ધ થઈ ગયા છે.

મળતી માહિતી મુજબ, વિશાલભાઈ અને પૂજાબેન ગઈકાલે પોતાની કાર લઈને અમદાવાદ સોલા રોડ પર આવેલા જોગમાયા ધામ માતાજીના મંદિરે દર્શન કરવા માટે ગયા હતા. માતાજીના દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે માનસિક તણાવમાં રહેલા દંપતીએ કુવાડવા નજીક રામધામ મંદિર પાસે કાર ઉભી રાખી હતી અને ત્યાં જ ફિનાઈલ ગટગટાવી લીધું હતું. હોસ્પિટલના બિછાનેથી જાણવા મળ્યું છે કે, આ આત્યંતિક પગલા પાછળ પોલીસની હેરાનગતિ અને ભવિષ્યમાં થનારા સંભવિત શારીરિક ત્રાસનો ડર જવાબદાર હતો.આ સમગ્ર મામલાના મૂળમાં ભૂતકાળમાં નોંધાયેલી એક પોલીસ ફરિયાદ છે. ઓરંગાબાદના અંકિતા જ્વેલર્સના માલિક આતીફભાઈએ વિશાલભાઈ, તેમના સાથી જયદીપ અને કારીગર અલ્પેશ વિરુદ્ધ 1400 ગ્રામ સોનાની ઠગાઈ અંગેની ફરિયાદ નોંધાવી હતી. વિશાલભાઈના પરિવારનો આક્ષેપ છે કે આ કેસના અનુસંધાને પોલીસે તેમના ઘરે જઈને સામાન વેરવિખેર કરી નાખ્યો હતો. પોલીસ પૂછપરછ માટે બોલાવશે અને ત્યાં તેમને ઢોર માર મારવામાં આવશે તેવા ડર અને અપમાનિત થવાની બીકે દંપતીએ આત્મહત્યા કરવાનું નક્કી કર્યું હતું.

આ વિવાદ માત્ર પોલીસ ફરિયાદ પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેમાં અપહરણ જેવી ગંભીર ઘટના પણ બની ચુકી છે.અગાઉ આતીફભાઈએ રાજકોટ આવીને વિશાલભાઈનું અપહરણ કર્યું હોવાનું સામે આવ્યું છે. તે સમયે વિશાલના પત્ની પૂજાબેને સમયસૂચકતા વાપરીને આતીફની પત્નીને ફોન કરીને જાણ કરી હતી, જેના દબાણમાં આવીને આરોપીઓ વિશાલને બગોદરા પાસે છોડીને ભાગી ગયા હતા. સતત મળી રહેલી ધમકીઓ અને કાયદાકીય ગુંચવણો વચ્ચે ઘેરાયેલા આ સોની દંપતીએ આખરે કંટાળીને આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે. હાલ પોલીસે વિશાલભાઈએ કરેલા આક્ષેપો મામલે વધુ તપાસ કરી રહી છે અને હોસ્પિટલમાં દંપતીની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *