બાંધકામ સાઇટ પર રાત્રે અકસ્માતે પગ લપસતાં કરુણ ઘટના
જામનગર શહેરના લાલવાડી વિસ્તારમાં ત્રિ-મંદીર પાસે એક નવી બિલ્ડીંગનું બાંધકામ ચાલી રહ્યું છે. જ્યાં ગઈકાલે રાતે બિલ્ડીંગના સાતમા માળે ચાલતા બાંધકામ પર જામનગરના અગ્રણી બિલ્ડરના યુવાન પુત્ર ભવ્ય નિલેશભાઈ દત્તાણી (ઉં.વ.28) નિરીક્ષણ માટે ગયા હતા. તેઓ સાતમા માળે ચાલુ કામનું નિરીક્ષણ કરતા હોય તે દરમિયાન અકસ્માતે પગ લપસતાં યુવાન નીચે પટકાતાં ભારે દોડધામ મચી ગઇ હતી.
જેઓને તાત્કાલિક અસરથી 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની સરકારી જી.જી હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કરતાં ભારે અરેરાટી પ્રસરી હતી. આ બનાવની જાણ થતાં મૃતક ના પરિવારજનો તેમજ અન્ય અગ્રણી બિલ્ડરો અને લોહાણા સમાજના અગ્રણીઓ વગેરે જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા, ત્યારે ભારે કરુણ દ્રશ્ય સર્જાયા હતા. સીટી બી. ડિવિઝન પોલીસની ટીમે આ મામલે વધુ તપાસ શરૂૂ કરી છે.
