શાપર વેરાવળ વિસ્તારમાં આત્મહત્યાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો છે. શાપર રોડ ઉપર કનારીયા ઓઈલ પાછળ આવેલા વિસ્તારમાં વધુ એક દુ:ખદ બનાવ સામે આવ્યો છે. માહિતી મુજબ, માત્ર 16 વર્ષની રૂૂપા કુમારી નામની દીકરીએ ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. રાત્રિના સમયે પરિવારજનોએ દરવાજો ખખડાવ્યો હોવા છતાં અંદરથી કોઈ પ્રતિસાદ ન મળતા, દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારે દીકરીએ આપઘાત કરી લીધો હોવાનો દ્રશ્ય સામે આવ્યું હતું.
તાત્કાલિક દીકરીને સારવાર અર્થે શાપર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ ફરજ પર હાજર તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. મૃતક દીકરી કનેરિયા ઓઈલ મિલ પાછળ આવેલી એક્વુ મેક્સ કંપનીના રૂૂમ નંબર 3માં પરિવાર સાથે રહેતી હતી. પરિવાર મૂળ બિહાર રાજ્યના માધોપુર ગામનો રહેવાસી હોવાનું જાણવા મળે છે. પરિવારમાં બે બહેનો અને એક ભાઈ હોવાનું પણ સામે આવ્યું છે. ઘટના સમયે પિતા કામકાજ અર્થે બહાર ગયા હતા, જ્યારે માતા પોતાના વતન ખાતે હોવાની માહિતી મળી રહી છે.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પોલીસ તંત્ર તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયું હતું. હાલ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ બનાવે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે. છેલ્લા કેટલાક દિવસોમાં આવી ઘટનાઓમાં વધારો થવો ચિંતાનો વિષય બન્યો છે.
