રાજકોટ શહેરના યુની.રોડ બોમ્બે હાઉસિંગ સોસાયટીમાં એક બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યા તસ્કરોએ લાખો રૂપિયાની મતાની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. ફરિયાદી વિશ્વરાજસિંહ યોગેન્દ્રસિંહ રાણા, જેઓ હાલ અમદાવાદના બોપલ વિસ્તારમાં રહે છે અને ગાંધીનગર ગિફ્ટ સિટીમાં ખાનગી નોકરી કરે છે, તેમણે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ ઘટના ત્યારે બની જ્યારે ફરિયાદી પોતાના રાજકોટ સ્થિત જુના મકાનને તાળું મારી પરિવાર સાથે અમદાવાદ રહેતા હતા.
પોલીસ ફરિયાદ અનુસાર, ચોરીની આ ઘટના તારીખ 22/03/2026 થી 16/04/2026 દરમિયાન બની હતી. ફરિયાદી ગત 22 માર્ચના રોજ બપોરે ચાર વાગ્યે મકાનને તાળું મારી અમદાવાદ ગયા હતા. જ્યારે તેઓ 16 એપ્રિલના રોજ રાત્રે નવ વાગ્યે રાજકોટ પરત આવ્યા ત્યારે જોયું કે ઘરના સેફ્ટી ડોર અને મેઈન દરવાજાના નકુચા અને લોક તૂટેલી હાલતમાં હતા. ઘરની અંદર તપાસ કરતા કબાટના લોકર તોડીને તેમાંથી કિંમતી ઘરેણાં અને રોકડ રકમની ચોરી થઈ હોવાનું જણાયું હતું.
તસ્કરો ઘરમાંથી કુલ ₹8,32,000 ની મતા ચોરી ગયા છે. જેમાં ₹7,12,000 ની કિંમતની આશરે 7 કિલો 120 ગ્રામ ચાંદીની વસ્તુઓ જેવી કે ટ્રે, ગરબો, કળશ, ચાંદીની મૂઠ ધરાવતી તલવાર અને કટાર, સિક્કા અને અન્ય પૂજાની સામગ્રીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ₹30,000 ની કિંમતની સોનાની બુટ્ટી, ₹60,000 રોકડા, સોની કંપનીનો કેમેરો, ટાઈમેક્સ અને લેમેક્ષ કંપનીની કાંડા ઘડિયાળ તેમજ રેયબનના ચશ્માની પણ ચોરી થઈ છે.
આ મામલે ગાંધીગ્રામ-2 પોલીસ સ્ટેશનમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ની કલમ 305(ફ), 331(3) અને 331(4) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. એ.એસ.આઈ. એમ.પી. ચરમટા દ્વારા ફરિયાદ નોંધીને તપાસનો દોર પોલીસ સબ ઇન્સ્પેક્ટર હિતેશભાઈ ચાવડાને સોંપવામાં આવ્યો છે. પોલીસ હાલ આ વિસ્તારના સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે અજાણ્યા તસ્કરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
