6 વર્ષ પહેલા ધંધા માટે લીધેલા બે લાખના 20 લાખ ચૂકવ્યા છતાં ધમકી આપતા હોવાનો આરોપ
શહેરમાં મહેશ્ર્વરી સોસાયટીમાં રહેતાં ફ્રુટના ધંધાર્થીએ છ વર્ષ પહેલા ધંધા માટે લીધેલા રૂપિયા બે લાખના 20 લાખ ચુકવી દીધા હોવા છતાં વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરી ધાક ધમકી દેતાં હોવાના આક્ષેપ સાથે ફ્રુટના ધંધાર્થીએ જયુબેલી બગીચામાં ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર આધેડને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, મહેશ્ર્વર સોસાયટીમાં આવેલા ભવાની ચોકમાં ઈમરાનભાઈ આરીફભાઈ સોલંકી (ઉ.49) અગિયારેક વાગ્યાના અરસામાં જયુબેલી બગીચામાં હતાં ત્યારે ઝેરી દવા પી લીધી હતી. આધેડને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. પ્રાથમિક પુછપરછમાં ઈમરાનભાઈ સોલંકી ફ્રુટનો ધંધો કરે છે. છ વર્ષ પહેલા ધંધા માટે લીધેલા રૂપિયા બે લાખના 20 લાખ ચુકવી દીધા હોવા છતાં અફઝલ, નવાઝ, મોહસીન અને શહબાઝ નામના શખ્સો વધુ રૂપિયાની ઉઘરાણી કરી ધમકી આપતાં હોવાથી ઝેરી દવા પી લીધી હોવાનો આક્ષેપ કર્યો છે. આક્ષેપના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
