ધોરાજીનાં સુપેડી નજીક હાઇવે પર આવેલી હોટલ પાસે સુતેલા વેપારીનુ મોટર સાયકલ તેમજ મોબાઇલ અને તેની સાથે કારીગરનો મોબાઇલ તસ્કરો ચોરી જતા આ મામલે પોલીસ ફરીયાદ નોંધાતા પોલીસે સીસીટીવી ફુટેજનાં આધારે તપાસ શરૂ કરી છે.
મળતી વિગતો મુજબ ધોરાજીનાં સુપેડી ગામે રહેતા બાબુભાઇ સામતભાઇ હુણની ફરીયાદનાં આધારે પોલીસે ગુનો નોંધ્યો છે. બાબુભાઇએ ફરીયાદમા જણાવ્યુ હતુ કે તેઓ ધોરાજી નજીક પોતાની વડવાળા હોટલની બહાર ખુલ્લામા ખાટલા પર તેનાં પિતાજી અરજણભાઇ હુણ સુતા હતા. તેમનાં હોટલમા નોકરી કરતો કારીગર પણ બાજુનાં ખાટલામા સુતો હોય. ત્યારે હોટલે તસ્કરો ત્રાટકયા હતા. અને અરજણભાઇનો મોબાઇલ તેમજ કારીગરનો મોબાઇલ ઉપરાંત હોટલ બહાર પાર્ક કરેલ જીજે 1 ઇએફ 4873 નંબરનુ મોટર સાયકલ તસ્કરો હંકારી ગયા હતા. 16 હજારનાં બે મોબાઇલ અને મોટર સાયકલ મળી કુલ 36000 ની ચોરી થતા આ મામલે ધોરાજી તાલુકા પોલીસ મથકમા ફરીયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો નોંધી સીસીટીવી ફુટેજનાં આધારે વધુ તપાસ શરૂ કરી છે. હોટલનાં સીસીટીવી ફુટેજમા ચોરી કરનાર શખસ કેદ થઇ ગયો હોય જેનાં આધારે પોલીસે તેની તપાસ શરૂ કરી છે.
