સમાજમાં ગુનાખોરીની હદ વટાવી રહી હોય તેમ હવે સ્મશાન જેવી પવિત્ર જગ્યાને પણ તસ્કરોએ બક્ષી નથી. હળવદ સ્મશાનમાંથી મૃતદેહના અગ્નિસંસ્કાર માટે ઉપયોગમાં લેવાતી ₹50 હજાર કિંમતની લોખંડની ખાટલીની ચોરી કરવાના ગુનાનો હળવદ પોલીસે સફળ ભેદ ઉકેલી કાઢ્યો છે. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, પોલીસ અધિક્ષક મુકેશ પટેલ અને નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડાના માર્ગદર્શન હેઠળ અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવાની ઝુંબેશ દરમિયાન હળવદ પોલીસને મહત્વની સફળતા મળી છે.
ફરિયાદી કિરણભાઈ જીવણભાઈ બારાણીયાની ફરિયાદના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી. વ્યાસના માર્ગદર્શન હેઠળ હળવદ પોલીસની ટીમે ટેક્નિકલ સર્વેલન્સ, બાતમીદારો અને સ્થાનિક તપાસના આધારે ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.
તપાસ દરમિયાન હિમત કાનજીભાઈ પરમાર (રહે. હળવદ બસ સ્ટેશન પાછળ) અને પુનમભાઈ દેવજીભાઈ મકવાણા (રહે. ભવાનીનગર ઢોરે, હળવદ)ની સંડોવણી સામે આવી હતી.
પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી હતી. તપાસમાં સામે આવ્યું કે ચોરાયેલી લોખંડની ખાટલીને તોડી ભંગારમાં વેચી દેવામાં આવી હતી. પોલીસે ભંગારના ડેલામાંથી લોખંડની ખાટલીના ટુકડાઓ તથા જાળીના કટકાઓ સહિત ₹50 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ કેસમાં કાંતી ઉર્ફે કાનો (રહે. પ્રતાપગઢ, તા. હળવદ) નામનો આરોપી હજુ ફરાર છે અને તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. સ્મશાન જેવી પવિત્ર જગ્યામાંથી ચોરીની ઘટનાએ લોકોમાં આશ્ચર્ય અને રોષ ફેલાવ્યો છે. જોકે હળવદ પોલીસની ઝડપી અને અસરકારક કામગીરીના કારણે ગુનાનો ભેદ ઉકેલી ચોરાયેલો મુદ્દામાલ રિકવર કરવામાં સફળતા મળી છે.
