કેવડાવાડી મેઇન રોડ ઉપર સફેદ પટ્ટા વગરના બે સ્પીડબ્રેકર ઉપરથી સ્કૂટર ઉછળીને વીજપોલ સાથે અથડાતાં કિશોરનું માથું ફાટી ગયું, સ્કૂટરચાલક યુવાનને ગંભીર ઇજા
માત્ર દસ ફૂટના અંતરે ખડકેલા બે સ્પીડબ્રેકર ઉપર સફેદ પટ્ટા નહીં હોવાથી સર્જાયેલો જીવલેણ અકસ્માત, કંપારી છૂટી જાય તેવા સીસીટીવીના દૃશ્યો
રાજકોટમા કેવડાવાડી વિસ્તારમા મહાનગર પાલિકાએ માત્ર દસ ફુટનાં અંતરે વિચાર્યા વગર ખડકેલા ઢંગધડા વગરનાં બે સ્પીડબ્રેકરનાં કારણે ગત મધરાત્રે એક ડબલ સવારી સ્કુટર ઉછળીને વિજપોલ સાથે અથડાતા ગરીબ પરિવારનાં આધારસ્થંભ સમા 15 વર્ષનાં કિશોરનું કમકમાટીભર્યુ મોત નિપજયુ હતુ જયારે અન્ય એક યુવકને ગંભીર હાલતમા સારવાર માટે હોસ્પિટલમા ખસેડાયેલ છે.
શહેરના કેવડાવાડી શેરી નં 9 નાં ખુણે મેઇન રોડ ઉપર માત્ર દસ ફુટનાં અંતરે મહાનગર પાલિકા દ્વારા ધારાધોરણ વગરનાં ટેકરા જેવા બે સ્પીડબ્રેકર ખડકી દેવામા આવેલ છે અને બન્ને સ્પીડ બ્રેકર ઉપર સફેદ પટ્ટા મારવામા આવેલ નહીં હોવાથી ગતરાત્રે લગભગ બારેક વાગ્યે સ્કુટર ઉપર પસાર થઇ રહેલા સુમિત રાકેશભાઇ પરમાર (ઉ. ર0) ને આ કઢંગા સ્પીડબ્રેકર નહીં દેખાતા સ્કૂટર ઉછળીને થાંભલા સાથે અથડાયુ હતુ અને સ્કૂટર પાછળ બેઠેલા પરેશ શેખલીયાનું માથુ થાંભલા સાથે અથડાતા હેમરેજ થવાથી તેનુ કરૂણ મોત નિપજયુ હતુ.
જયારે સ્કુટર ચાલક મૃતક પરેશનાં માસિયાઇ ભાઇ સુમીત રાકેશભાઇ પરમાર (ઉ. 20) ને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે હોસ્પિટલમા ખસેડાયેલ છે.
આ જીવલેણ અકસ્માતમનાં સીસીટીવી ફુટેજ પણ વાયરલ થયા છે જેમા સ્પષ્ટ જોઇ શકાય છે કે સ્પીડ બ્રેકરનાં કારણે જ આ અકસ્માત સર્જાયો છે. સીસીટીવી ફુટેજનાં દ્રશ્યો પણ કંપારી છૂટી જાય તેવા છે.
રાજકોટમાં જીવલેણ અકસ્માતોની ઘટનાઓ દિન બદીન વધી રહી છે. ત્યારે વધુ એક બનાવમાં સ્પીડ બ્રેકરે વધુ એક ભોગ લીધો હોવાની ઘટના સામે આવી છે.
જેમાં કેશીયો પાર્ટી વગાડી મધરાત્રે પરત ફરેલા સ્કૂટર સવાર માસિયાઈ બાઈ સ્પીડ બ્રેકરના કારણે સ્કૂટર સાથે ઉછળ્યા હતા. જેમાં ગંભીર રીતે ઘવાયેલા સગીરનું માસિયાઈ ભાઈની નજર સામે જ મોત નીપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી.
જ્યારે સ્કૂટર ચાલક યુવકને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં લલુડી વોકળી પાસે ઝૂંપડપટ્ટીમાં રહેતા સુમિત રાકેશભાઈ પરમાર નામનો 20 વર્ષનો યુવાન પોતાના 15 વર્ષના માસીયાઇ ભાઈ પરેશ મુકેશભાઈ શેખલીયા સાથે રાત્રીના બારેક વાગ્યાના અરસામાં સ્કૂટર લઈને કેવડાવાડીમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક સ્પીડ બ્રેકર આવી જતા સ્કૂટર ઉલળ્યું હતું. જેમાં બાઈક સવાર માસિયાઈ ભાઈને ઇજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાં ગંભીર રીતે ઘવાયેલા પરેશ શેખલીયાએ સારવાર કારગત નીવડે તે પૂર્વે જ દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.પ્રાથમિક પૂછપરછમાં મૃતક પરેશ શેખલીયા અને સુમિત પરમાર બંને ભગવતીપરામાં કેશીયો પાર્ટી વગાડવા ગયા હતા અને ત્યાંથી બંને મધરાત્રે ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે કેવડાવાડી શેરી નંબર આઠ પાસે આવેલા સ્પીડ બ્રેકરના કારણે અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ભક્તિનગર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
10 ફૂટના અંતરે બે સ્પીડબ્રેકરો ખડકી લોકોના જીવ સાથે ખેલ, જવાબદાર કોણ
કેવડાવાડીમાં સ્પીડ બ્રેકરના કારણે યુવકનો ભોગ લેવાયો છે ત્યારે 15 વર્ષના કિશોરના મોત માટે જવાબદાર કોણ? તેવો સવાલ ઉઠી રહ્યો છે. મહાનગરપાલિકાના ઇજનેરોએ બુધ્ધીનું દેવાળુ કાઢયુ હોય તેમ માત્ર 10 ફુટના અંતરે ટેકરા જેવા કઢંગા બે સ્પીડબ્રેકર ખડકી દીધા હતા. પરંતુ બેમાંથી એકપણ સ્પીડબ્રેકર ઉપર સફેદ પટ્ટા મારેલા ન હોવાથી રાત્રીના અંધારામાં સુમિતને સ્પીડબ્રેકર દેખાયા નહીં અને તેનુ સ્કુટર સતત બે વખત ઉછળીને સીધુ રોડની બાજુમાં આવેલા વીજપોલ સાથે અથડાયું હતું અને પરેશનું માથુ પણ થાંભલા સાથે અથડાતા ઘટના સ્થળે જ તેનું માથુ ફાટી ગયું હતું અને તે સ્થળ પર જ ચતોપાટ થઇને બેભાન થઇ ગયો હતો.આ જીવલેણ અકસ્માતના સીસીટીવી વાઇરલ થતા કોર્પોરેશનના અધિકારીઓની ગૂનાહીત બેદરકારી પણ ખુલ્લી પડી છે. કેશીયો પાર્ટીમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા નિર્દોષ કિશોરનો ભોગ લેવાયો છે. આ મહાપાપ માટે જવાબદાર કોણ?8-10 દિવસ પહેલા માત્ર 10 ફુટના અંતરે બે-બે સ્પીડબ્રેકરો ખડકી અકકલનું પ્રદર્શન કરનારા મહાનગર પાલિકાનાં જવાબદાર ઇજનેરો- અધિકારીઓ સામે તટસ્થ તપાસ યોજી મ્યુનિ. કમિશનર તુષાર સુમેરા દાખલારૂપ પગલા ભરશે? વર્ષોથી કોર્પોરેશનમાં શાસન કરતા ભાજપના શાસકોની સંવેદના જાગશે? તેવા સવાલ ઉઠી રહ્યા છે.