જામનગરની કુખ્યાત સાયચા ગેંગના ગુજસીટોકના સાત આરોપી જેલ હવાલે

હાલ જેલવાસ ભોગવી રહેલા અન્ય ચાર આરોપીઓનો ટ્રાન્સફર વોરંટથી કબજો લેવા તજવીજ જામનગરના બેડી વિસ્તારમાં સક્રિય રહેલી કુખ્યાત સાયચા ગેંગ સામે પોલીસની કાર્યવાહી વધુ તેજ…

હાલ જેલવાસ ભોગવી રહેલા અન્ય ચાર આરોપીઓનો ટ્રાન્સફર વોરંટથી કબજો લેવા તજવીજ

જામનગરના બેડી વિસ્તારમાં સક્રિય રહેલી કુખ્યાત સાયચા ગેંગ સામે પોલીસની કાર્યવાહી વધુ તેજ બની છે. હત્યા, રાયોટિંગ, આપઘાતની દુષ્પ્રેરણા સહિતના ગંભીર પ્રકારના કુલ 74 જેટલા ગુનાઓમાં સંડોવણી ધરાવતી સાયચા ગેંગના સાત આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં તમામને સુરત અને વડોદરાની જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.

જામનગર પોલીસે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી અસગર જુસબભાઈ સાયચા, ગુલામ જુસબભાઈ સાયચા, મહેબુબ જુસબભાઈ સાયચા, ઈમ્તિયાઝ નુરમામદ સાયચા, હનીફ નુરમામદ સાયચા, રઝાક દાઉદ ચાવડા તેમજ બાદમાં ઝડપાયેલા ફરાર આરોપી એજાજ સાયચાની અટકાયત કરી હતી. તમામ આરોપીઓને રાજકોટની વિશેષ ગુજસીટોક કોર્ટમાં રજૂ કરાતાં સાત દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.

રિમાન્ડ દરમિયાન પોલીસે આરોપીઓની ગુનાહિત પ્રવૃત્તિઓ, સિન્ડિકેટ તરીકેની કામગીરી, અન્ય કોઈ ગુનામાં સંડોવણી, ગેરકાયદે આર્થિક લાભથી સંપત્તિ ખરીદવામાં આવી છે કે કેમ, તેમજ જીવલેણ હથિયારો ક્યાંથી અને કોના મારફતે મેળવવામાં આવ્યા હતા તે સહિતના 13થી વધુ મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક પૂછપરછ કરી હતી. ઉપરાંત તેમની મિલ્કતો અને નાણાકીય વ્યવહારો અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી હતી.

તા.29ના રોજ તમામ આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટ પ્રક્રિયા બાદ તેમને સુરત અને વડોદરાની જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સાયચા ગેંગના અન્ય ચાર આરોપીઓ અગાઉના ગુનાઓમાં હાલમાં જેલવાસ ભોગવી રહ્યા છે. તેઓનો પણ ગુજસીટોક કેસમાં ટ્રાન્સફર વોરંટના આધારે કબ્જો મેળવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સાયચા ગેંગ સામેની આ કાર્યવાહી જામનગર પોલીસ માટે મહત્વપૂર્ણ ગણાઈ રહી છે, અને ગેંગની સમગ્ર ગુનાહિત જાળને ભેદવા માટે તપાસ હજુ પણ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *