રાજકોટ રેન્જ પોલીસ દ્વારા ગેરકાયદેસર ખનીજના વહન સામે હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન જામનગર જિલ્લાના શેઠવડાળાિ પોલીસ મથક વિસ્તારમાંથી ગેરકાયદેસર લાઇમ સ્ટોન ભરીને લઈ જતાં ત્રણ ડમ્પર ઝડપી પાડી કુલ રૂૂ. 75 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (આઈ.પી.એસ.)ના માર્ગદર્શન હેઠળ રાજકોટ રેન્જના જિલ્લાઓમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા તેમજ સરકારી ખનીજ સંપત્તિની ચોરી અને બિનઅધિકૃત ખનન સામે કડક કાર્યવાહી કરવાની સૂચનાઓ આપવામાં આવી હતી. જેના અનુસંધાને રાજકોટ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા બાતમીદારોના જાળાની મદદથી સતત દેખરેખ રાખવામાં આવી રહી હતી.
દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી.એમ.કાંટેલિયા તથા તેમની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે જામનગર જિલ્લાના શેઠવડાળા પોલીસ મથક વિસ્તારના ભોજાબેડી ગામ તરફ જતાં માર્ગ પર વોચ ગોઠવવામાં આવી હતી. તપાસ દરમિયાન ગેરકાયદેસર રીતે લાઇમ સ્ટોન ભરીને લઈ જતાં ત્રણ ડમ્પરોને અટકાવી તપાસ હાથ ધરવામાં આવી હતી.
તપાસમાં જી.જે.-10-એ.ટી.-6623 નંબરના ડમ્પરમાંથી અંદાજે 23.15 મેટ્રિક ટન, જી.જે.-10-એ.ટી.-6624 નંબરના ડમ્પરમાંથી 25.12 મેટ્રિક ટન તથા જી.જે.-10-એ.ટી.-6625 નંબરના ડમ્પરમાંથી 22.99 મેટ્રિક ટન લાઇમ સ્ટોનનું બિનઅધિકૃત વહન થતું હોવાનું સામે આવ્યું હતું. ત્રણેય ડમ્પરોની કિંમત અંદાજે રૂ.25 લાખ પ્રમાણે કુલ રૂ.75 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓને જાણ કરી જરૂૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યવાહી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી.એમ.કાંટેલિયા, સંદીપસિંહ ઝાલા, કાસમભાઈ બ્લોચ, કમલેશભાઈ રબારી, મીતેશભાઈ પટેલ તથા વાહનચાલક ધર્મેન્દ્રસિંહ જાડેજાના સંયુક્ત પ્રયાસોથી સફળ બની હતી. જપ્ત કરાયેલ મુદ્દામાલ તથા વાહનોને આગળની કાર્યવાહી માટે શેઠવડાળા પોલીસ મથકને સોંપવામાં આવ્યા છે. રાજકોટ રેન્જ પોલીસની આ કાર્યવાહીથી ગેરકાયદેસર ખનીજના ધંધા સાથે સંકળાયેલા તત્વોમાં ચકચાર મચી જવા પામી છે.
