પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીને દબોચ્યો, કાયદાનું ભાન કરાવ્યું
જામનગર શહેરના બાઈની વાડી વિસ્તારમાં એક મૂકબધિર અને દિવ્યાંગ યુવતી સાથે જાતીય સતામણી અને છેડછાડ થયાનો ગંભીર બનાવ પ્રકાશમાં આવ્યો છે. એટલું જ નહીં, ઘટનાની જાણ થતાં યુવતીના ભાઈએ આરોપીને પકડવાનો પ્રયાસ કરતાં તેના પર પણ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.
પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ બાઈની વાડી વિસ્તારમાં રહેતી 21 વર્ષીય મૂકબધિર અને દિવ્યાંગ યુવતી પોતાના ઘરે એકલી હતી, ત્યારે આરોપી રીજવાન ઉર્ફે ચિનો ગનીભાઈ ખીરા સુમરા તેના ઘરમાં ઘૂસી ગયો હતો. આરોપીએ યુવતી સાથે અશ્ર્લીલ હરકતો કરી તેની જાતીય સતામણી કરી હતી. ફરિયાદ મુજબ નિર્વસ્ત્ર કરવાના ઇરાદે યુવતીના કપડાં ફાડી નાખી તેની સાથે શારીરિક અડપલાં પણ કરવામાં આવ્યા હતા.
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે બાદમાં બીજી એક ઘટનામાં જ્યારે પીડિતા એક નાના બાળકને બાલમંદિરમાં મૂકવા જતી હતી, ત્યારે આરોપીએ જાહેરમાં તેનો હાથ પકડી ફરીથી અડપલાં કર્યા હતા અને ત્યાંથી નાસી ગયો હતો.
સમગ્ર બનાવની જાણ થતાં પીડિતાનો ભાઈ આરોપીને શોધી રહ્યો હતો. દરમિયાન આરોપી સામે મળી જતાં તેને પકડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તે સમયે બંને વચ્ચે ઝપાઝપી સર્જાઈ હતી. જેમાં આરોપીએ ફરિયાદીને નખ વડે ઈજાઓ પહોંચાડી હતી. ઉપરાંત છરી કાઢી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. ફરિયાદી બચવા માટે ભાગતા આરોપીએ પાછળથી પથ્થરનો ઘા પણ કર્યો હોવાનું પોલીસ ફરિયાદમાં નોંધાયું છે.
ફરિયાદમાં આરોપીએ પીડિત પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. આરોપી અને પીડિત પરિવાર એકબીજાને અગાઉથી ઓળખતા હોવા છતાં પીડિતા અનુસૂચિત જાતિની હોવાનું જાણતા હોવા છતાં તેના પ્રત્યે કથિત રીતે અશ્ર્લીલ વર્તન અને જાતીય સતામણી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી સીટી “એ” ડિવિઝન પોલીસે આરોપી રીજવાન ઉર્ફે ચિનો ગનીભાઈ ખીરા સુમરા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
દરમિયાન આરોપી રિઝવાન ઉર્ફે ચીના ગનીભાઈ ખીરા (સુમરા)ને જામનગર સિટી-એ ડિવિઝન પોલીસની સર્વેલન્સ ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ટેકનિકલ સર્વેલન્સ, બાતમીદારો તથા અન્ય આધારોના આધારે આરોપી સુધી પહોંચવા માટે સઘન પ્રયાસો કરવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન મળેલી ચોક્કસ માહિતીના આધારે પોલીસે આરોપી રિઝવાન ઉર્ફે ચીના ગનીભાઈ ખીરા (સુમરા)ને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ સફળ કામગીરી જામનગર સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ. ડોડીયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. કામગીરીમાં પોલીસ કર્મચારી વિજયભાઈ કાનાણી અને યોગેન્દ્રસિંહ સોઢાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
