કોન્ટ્રાક્ટરની જવાબદારીવાળા રોડ-રસ્તામાં અધિકારીઓનું ‘સેટિંગ’: ભરી સભામાં પર્દાફાશ

5 વર્ષની ગેરેન્ટી સાથે બનેલા રોડમાં થયેલા નુકસાનીનો ‘સબ સલામત’નો રિપોર્ટ જનરલ બોર્ડમાં અપાતા નગરસેવકો ઉકળી ઉઠ્યા, કોંગ્રેસના નગરસેવકે ઉઠાવેલા મુદ્દામાં શાસકપક્ષ ભાજપના કોર્પોરેટરોએ પણ…

5 વર્ષની ગેરેન્ટી સાથે બનેલા રોડમાં થયેલા નુકસાનીનો ‘સબ સલામત’નો રિપોર્ટ જનરલ બોર્ડમાં અપાતા નગરસેવકો ઉકળી ઉઠ્યા, કોંગ્રેસના નગરસેવકે ઉઠાવેલા મુદ્દામાં શાસકપક્ષ ભાજપના કોર્પોરેટરોએ પણ સૂર પુરાવ્યો

રાજકોટ મનપા દ્વારા રસ્તાના કામ માટે વર્ષે કરોડો રૂૂપિયાનું બજેટ ફાળવવામા આવે છે. કોન્ટ્રાક્ટરો મારફતે કરાવવામા આવતા ડામર રોડમાંથી વોર્ડના કોર્પોરેટરથી માંડી ઇજનેર, અધિકારીઓ અને ઉચ્ચકક્ષા સુધી ‘મલાઇ’ની એક ચોક્કસ ટકાવારી મુજબ સૌ મીલીબાટીને પેટ ભરીને ધરાતા હોવાની વર્ષો જુની મનપાની પંકાયેલી છાપ છે. કરોડ રૂૂપિયાનો ખર્ચ કરવા છતા આવા ભ્રષ્ટ વહીવટના પાપે ગેરેન્ટેડ રોડ ગેરેન્ટીના પીરીયડ દરમિયાન જ હાડપીંજર બની જાય છે. દર વર્ષે જોઇએ તેવો વરસાદ પણ નથી પડ્યો. માત્ર સામાન્ય ઝાપટામાં પણ કહેવાતા ગેરંટીવાળા રોડમાંથી પણ ભ્રષ્ટાચારના પોપડાં ઉખડી જાય છે. હજુ તો એકાદ-બે વર્ષ પહેલા જ બન્યા હોય તેવા નવાનકોર રોડ પણ ધોવાઇ ગયા છે. ફૂટ ફૂટના ગાબડાં પડી ગયા છે. તેમાથી હલકી ગુણવતાનુ મટીરીયલ્સ મોઢુ ફાડીને બહાર આવ્યો છે.

આજે મહાનગરપાલિકામાં મળેલા જનરલ બોર્ડમાં ગેરેન્ટેડ રોડના મુદ્દે ભરી સભામાં બાંધકામ શાખાના ડેપ્યુટી ઇજનેરો સહિતના સંબંધિત અધિકારીઓના ગેરેન્ટેડ રોડના કોન્ટ્રાક્ટરો સાથેના ‘શેટિંગ’નો ભરી સભામાં પર્દાફાશ થયો હતો. વિપક્ષ કોંગ્રેસના મહિલા નગરસેવક મનિષાબેને જનરલ બોર્ડની પ્રશ્નોતરીમાં ગેરેન્ટી પીરીયડવાળા રોડની હાલત વિશે માહિતી માગી હતી. જવાબમાં અધિકારી રાવલે કાગળ પરની કાર્યવાહી દેખાડી હતી. ગેરેન્ટેડ રોડમાં નોંધનીય કહી શકાય તેવી કોઇ નુકસાની થઇ નથી. નાના મોટા પેચર્વક જ કરવા પડ્યા છે. તેવી ગળે ઉતરે તેવો કાગળ પર ચિતરેલી કામગીરી વાંચવાનું શરૂૂ કરતા જ કોંગ્રેસના નગરસેવકોએ જાહેરમાં એવો પડકાર કર્યો હતો કે, તમારા રેકર્ડ પર જે ગેરેન્ટેડ પીરીયડવાળા રસ્તાની વાસ્તવિક હાલત સામે લાવી હતી.

રાત્રિ સફાઇના દોઢ કરોડના બે સ્વીપર વાન છ માસથી બગડેલા, મેયરને સભામાં અધિકારીનો લીધો ઉધડો
રાત્રિ સફાઇની કામગીરીમાં થતા ધાંધિયાને લઇને પણ જનરલ બોર્ડમાં નગરસેવકોએ સવાલોનો મારો ચલાવ્યો હતો. શહેરમાં હાલ 12 સ્વીપીંગ મશીન(વાન) રાજમાર્ગો પર કામ કરે છે. જ્યારે બે મશીનવાન વર્કશોપમાં રિપેરિંગ માટે છ માસથી ધુળ ખાઇ રહ્યા છે. રૂૂ.70.20 લાખનું એક એવા 2 સ્વીપર વાન મશીન એટલે કે રૂૂ.1 કરોડ 40 લાખના મશીન છ માસથી ધુળ ખાય છે અને હજુ પણ રિપેર થતા બે માસ થઇ જશે તેવો જવાબ સાંભળી મેયર ઉકેળી ઉઠ્યા હતા. તાત્કાલિક મશીન રિપેર ન થાય તો એજન્સીને આકરી પેનલ્ટી ફટકારવા મેયરે આદેશ કર્યો હતો.

સિવિલ હોસ્પિટલથી એઇમ્સ સુધી ચાલુ કરાઇ ખાસ સિટી બસ
હોસ્પિટલ સંકુલમાં જ બનશે એઇમ્સ માટેનું બસ સ્ટેન્ડ : હાલ દર એક કલાકે મળશે બસ
વિદેશમાં મળતી હોય તેવી અદ્યતન મેડીકલ ટ્રીટમેન્ટ અત્યંત સસ્તા દરમાં રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રભરના દર્દીઓને મળે તે માટે એઇમ્સ હોસ્પિટલ આર્શિવાદરૂૂપ બનવા લાગી છે. ક્રમશ: તમામ વિભાગો ચાલુ થઇ રહ્યા છે. વર્લ્ડ ક્લાસ તબીબોની ભરતી કરવામા આવી રહી છે. દરમિયાન સિવિલ હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓને વધુ અધતન સારવાર માટે એઇમ્સ હોસ્પિટલમાં દાખલ કરવા પડે અથવા તો સામાન્ય રીતે ખાનગી લેબોરેટરીમાં જે મોંઘાદાટ રિપોર્ટ થાય છે એ રિપોર્ટ એઇમ્સમાં કરાવવા જવાની જરૂૂર પડે તો એવા દર્દીઓ માટે સિવિલ હોસ્પિટલથી એઇમ્સ સુધી ખાસ અલગથી સિટી બસ સેવા શરૂૂ કરવામા આવી છે. હાલ દર 50 મિનિટે સિટી બસની સેવા સિવિલથી મળતી થાય તેવી વ્યવસ્થા કરવામા આવી છે. જરૂૂર જણાયે વધુ બસ ચાલુ કરવા મનપાની તૈયારી છે. એટલુ જ નહીં સિવિલ હોસ્પિટલના સંકુલમાં જ ખાસ એઇમ્સ માટે અલગથી રૂૂફ ટોપ સાથેનુ સિટી બસ સ્ટેન્ડ બનાવવાનું મનપાનું આયોજન છે.

બોર્ડ કેમ ચલાવવુ? મોરબીના મેયર, નગરસેવકોની ટીમ ‘ટયુશન’ કરવા આવી
મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ તાજેતરમાં જ આવેલી નવી બોડીના મેયર ઉપરાંત 6થી7 નગરસેવકોની ટીમ આજે રાજકોટ મનપાના મહેમાન બન્યા હતા. જનરલ બોર્ડની કામગીરી કઇ રીતે સુપેરે ચલાવી શકાય તેનો અભ્યાસ કર્યો હતો. મેયર ડો.નેહલ શુક્લે મોરબીના પ્રથમ નાગરિક મેયરનું સ્વાગત કર્યુ હતુ.

આજી નદીમાં ગાંડીવેલ સામે અધિકારીની ‘નાદારી’! વિપક્ષે અધિકારીને બરોબરના ભીડવ્યા
આજી નદીમાં ગાંડીવેલનો ફેલાવો અસાધ્ય બીમારી જેવો છે. નદીની આજુબાજુના વિસ્તારોમાં મચ્છરનું મુળ કારણ આ ગાંડીવેલના તળિયે મચ્છરોની એક અલગ વસાહત બનેલી છે. નદી સફાઇ મુદ્દે વિપક્ષી સભ્ય મકબુલ દાઉદાણીએ સવાલોનો મારો ચલાવ્યો હતો. ગાંડીવેલ કાઢવા માટે વર્ષે લાખો રૂૂપિયા ખર્ચવા છતા જડમુળથી ઉકેલ શા માટે નથી આવતો? તેવા સવાલ સામે અધિકારીએ એવો જવાબ આપ્યો હતો કે, ગાંડીવેલ કાઢ્યા પછી છ-સાત દિવસમાં જ ફરી ઉગી નીકળે છે!

કોર્પોરેટરોના પ્રશ્નોના નિરાકરણનો રિપોર્ટ નેક્સ્ટ બોર્ડમાં ફરજિયાત મુકવાનો : મેયરનો કડક આદેશ
મોટાભાગના નગરસેવકો તરફથી એવી ફરિયાદ સાંભળવા મળી છે કે, જનરલ બોર્ડમાં થતી ચર્ચા સભા પુરી થાય પછી અધિકારીઓ અભેરાઇએ ચડાવી દે છે. કોઇ પગલાં કે સુચન મુજબના કામ થતા નથી. આવી વ્યાપક ફરિયાદોને ધ્યાને લઇને મેયર ડો.નેહલ શુક્લે એવો કડક આદેશ કર્યો હતો કે, સભામાં જે ચર્ચા થાય, સુચનો થાય તેનુ નિરાકરણ નેક્સ્ટ બોર્ડ સુધીમાં લાવવુ. પ્રોગેસ રિપોર્ટ નેક્સ્ટ બોર્ડમાં ફરજિયાત મુકવાનો રહેશે.

નગરસેવકોએ પોતાના વિસ્તારોના ગેરેન્ટેડ રોડની વાસ્તવિક હાલતનું લિસ્ટ કાઢ્યું
કહ્યું કે અત્યારે જ ચાલો શું હાલત છે એ દેખાડીએ
રોડ બનાવવાની કામગીરી જેમના હસ્તક આવે છે એ ઇન્ચાર્જ સિટી ઇજનેર અતુલ રાવલ ફરી એકવખત કાપો તો લોહી ન નીકળે તેવી થઇ હતી. ગેરેન્ટેડ રોડમાં ખાસ કહી શકાય તેવી કોઇ નુકસાની થઇ ન હોવાનો જનરલ બોર્ડ સમક્ષ જણાવતા જ વિપક્ષના નગરસેવક મનિષાબેન, મકબુલ દાઉદાણી સહિતનાએ વાસ્તવિક સ્થિતિનો ચિતાર આપ્યો હતો. તેની સાથે ભાજપના નગરસેવકોએ પણ ટેકો આપ્યો હતો. બન્ને પક્ષેથી કમિશનરને એવુ કહેવામા આવ્યુ હતુ કે, સબ સલામતનું ગાણુ ગાતા તમારા અધિકારીઓ ઇન્ચાર્જ સિટી ઇજનેર અતુલ રાવલને અત્યારે જ અમારી સાથે મોકલો. અમે દેખાડીએ કે ખરી હાલત શું છે!

રોડનો ખોટો રિપોર્ટ આપનાર સામે કડક પગલાં લેવા મેયરે કર્યો જાહેરમાં આદેશ
વિપક્ષ જ નહીં પણ ખુદ શાસકપક્ષના નગરસેવકોએ પણ ગેરેન્ડેટ રોડ ધોવાઇ ગયા હોવાની સામુહિક ફરિયાદ થતા મેયર ડો.નેહલ શુક્લે પણ કડક વલણ દાખવ્યુ હતુ. મેયરે ઇન્ચાર્જ સિટી ઇજનેર અતુલ રાવલને ‘ચાબુક’ ફટકારતો એવો આદેશ કર્યો હતો કે, તમને રોડનો સર્વે કોની પાસે કરાવ્યો? અધિકારી અતુલ રાવલે ચાલાકી પુર્વક ડેપ્યુટી ઇજનેરો ઉપર ઢોળી દીધુ હતુ. મેયરે કહ્યુ હતુ કે, તમને જેમણે રિપોર્ટ કર્યો છે એ ડેપ્યુટી ઇજનેર સામે કડક પગલાં લ્યો. શું એકશન લેવાયા એ આવતા બોર્ડમાં એકશન રિપોર્ટ આપો.

RMCની હદથી વિકસતા વિસ્તારમાં નવા સિટી બસ રૂટ શરૂ થશે, 25 નવી બસ મગાવાઇ
કેન્દ્ર સરકારમાંથી કુલ 100 ઇ-બસ રાજકોટને ફાળવવા મળી મંજૂરી
રાજકોટના સીમાડા વિસ્તરતા જાય છે. મહાનગરપાલિકાની નિર્ધારિત હદ બહાર રહેણાંક, એજ્યુકેશન, ઇન્ડસ્ટ્રીઝ, વ્યવસાયિક ઝોન બનવા લાગ્યા છે. મનપાની બાઉન્ડ્રીથી નજીકના આવા વિસ્તારોમાં માસ ટ્રાન્સપોર્ટેશનની દિશામાં મનપા આગળ વધી રહી છે. કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યુ હતુ કે, મનપાની હદથી 15 કી.મી. દૂર સુધી સિટી બસ ચલાવી શકાય છે. આવા વિકસિત વિસ્તારો માટે નવા રૂૂટ નક્કી કરીને નવી 25 બસ ટુંક સમયમાં જ ચાલુ થવા જઇ રહી છે. કેન્દ્ર સરકારમાંથી રાજકોટને કુલ 100 ઇલેક્ટ્રિક બસ આપવા મંજૂરી મળી ચુકી છે.

મનપાની લીગલ પેનલો ધકેલ પંચા જેવી! 812 કેસ કોર્ટમાં પેન્ડીંગ, ઝડપથી ચલાવવા ફોલોઅપનો અભાવ
મનપાએ કાનૂની કાર્યવાહી માટે ખાનગી વકીલોની લીગલ પેનલ બનાવેલી છે. કુલ 17 વકીલો લગીલ શાખા હસ્તક પેનલમાં લેવામા આવ્યા છે. પણ કમનસીબી એ છે કે, હાલની સ્થિતિએ 812 કેસ કોર્ટમાં પેન્ડીંગ છે. સુપ્રિમ, હાઇકોર્ટ, ડીસ્ટ્રીક્ટ, લેબર, ટેક્સ, ફૂડ સહિતના આવા કેસ ઝડપથી ચલાવવા માટે લીગલ પેનલના ખાનગી વકિલોને પોતાની અંગત પ્રેકટિસમાંથી ફૂરસદ મળતી નથી અને પેન્ડીંગ કેસ ઝડપથી ચલાવવામા રસ દાખવવામા આવતો નથી તેવી બુમરેંગ જનરલ બોર્ડમાં નગરસેવકોએ દ્વારા થઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *