પોરબંદરમાં રહેતા યુવાન ઉપર રાણાવાવની પૂર્વ પ્રેમિકાના પતિ અને ભાઈ સહિતના શખ્સોએ હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકનું સારવારમાં મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. યુવકના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ પોરબંદરના બોખીરા ગામે રહેતા હિતેશ ભનાભાઈ કાટાવદરા નામનો 29 વર્ષનો યુવાન બપોરના ત્રણેક વાગ્યા અરસામાં જુબેલી પાણીની ટાંકીની બાજુમાં હતો ત્યારે સંજય મોઢવાડિયા, રમેશ કેશવાલા, રાહુલ ઉર્ફે લીખો અને એક અજાણ્યા શખ્સે ધોકા-પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે પોરબંદર બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં યુવકનું સારવાર દરમિયાન મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. યુવકના મોતથી પરિવારમાં કરૂૂણ કલ્પાંત સર્જાયો હતો.
પ્રાથમિક પૂછપરછમાં હિતેશ કાટાવદરાને અગાઉ રાણાવાવ રહેતી હેતલ નામની યુવતી સાથે પ્રેમ સંબંધ હતો અને હેતલના સંજય કેશવાલા સાથે લગ્ન થઈ જતા બંનેએ પ્રેમ સંબંધ ટૂંકાવી લીધો હતો જે પ્રેમ સંબંધનો ખાર રાખી હેતલના ભાઈ સંજય મોઢવાડિયાએ હિતેશ કાટાદરાને સમાધાન માટે રાણાવાવ બોલાવ્યો હતો પરંતુ હિતેશ કાટાવદરાએ રાણાવાવના જવાના બદલે તેઓને સમાધાન માટે પોરબંદર બોલાવ્યા હતા. હિતેશ તેનો ભાઈ કરણ અને હિરેનનો મિત્ર લાલો જુબેલી પાણીના ટાંકાની બાજુમાં બેઠા હતા ત્યારે હેતલનો પતિ રમેશ કેશવાલા, તેનો ભાઈ સંજય મોઢવાડિયા અને રાહુલ ઉર્ફે લીખો સહિતના શખ્સો હેતલને સાથે લઈ બાઇકમાં ધસી આવ્યા હતા. ધસી આવેલા શખ્સોના હાથમાં હથિયારો જોઈ હિતેશ, તેનો ભાઈ કરણ અને તેનો મિત્ર લાલો ભાગ્ય હતા. હિતેશ કાટાવદરાને આંતરી ધોકા પાઇપ વડે માર માર્યો હતો. પૂર્વ પ્રેમિકા હેતલ હિતેશ કાટાવદરાને બચાવવા વચ્ચે પડી હતી તેમ છતાં તે હુમલાખોરોએ માર મારી હત્યા કરી હોવાની મૃતક હિતેશ કાટાવદરાના ભાઈ કરણ કાટાવદરાએ પોલીસ દફતરે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે હત્યારા શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
