રાજકોટ મહાનગરપાલિકાના સફાઈ કામદારોને પોતાની નોકરીમાં રાજીનામુ આપી પોતાના વારસદારને નોકરી આપવાનો નિયમ અમલમાં છે. જેના માટે જનરલ બોર્ડના ઠરાવ મુજબ સફાઈ કામદારોએ સીવીલ હોસ્પિટલ માન્ય અનફીટનું સર્ટીફીકેટ આપવુ પડે છે. આ નિયમ અમદાવાદ સહિત રાજયની ઘણી મહાનગરપાલિકામાં અમલમાં છે.
2021 ના કોરોના કાળ બાદ રાજકોટ સીવીલ હોસ્પિટલમાંથી સફાઈ કામદારોને આ મેડીકલ સર્ટીફીકેટ મેળવવામાં પારાવર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જે માટે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ તથા સફાઈ કામદાર આયોગના ચેરમેન વેંકટેશ તથા સદસ્યા અંજના પવારજીને પણ આ બાબતે કલેકટર ઓફીસ ખાતેની મીટીંગમા રજુઆત કરવામાં આવેલ તથા ચેરમેનની સીવીલ હોસ્પિટલ ખાતેની મીટીંગમાં પણ જે તે વખતના સીવીલ અધિક્ષકને તાકીદ કરવામાં આવેલ છતાં આ પ્રશ્ન યથાવત રહેતા ઘણા સફાઈ કામદારોને પોતાના વારસદારને નોકરી ના હકક વગર જ નિવૃત થવાનો સમય આવેલ છે.
હાલ પણ 156 (એકસો છપ્પન) જેટલા સફાઈ કામદારોની ફાઈલ પેન્ડીંગ છે. જો તેનો તાત્કાલીક નિર્ણય લેવામાં ન આવે તો આમાંથી પણ ઘણા સફાઈ કામદારો નિવૃત થઈ પોતાના વારસદારના હક્કથી વંચીત રહી જાશે. રા.મ.ન.પા. ના નિયમ મુજબ સફાઈ કામદારોના રાજીનામા માટે સફાઈ દ્વારા થતી બિમારીઓ માંગવામાં આવે છે જે કોઈ ગંભીર બિમારીઓ નથી હોતી કે તેને સર્ટીફીકેટ આપવામાં મુશ્કેલી પડે જેથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મોકલેલ સફાઈ કામદારોની ફાઈલોનો ત્વરીત અને હકારાત્મક નિર્ણય લેવામાં આવે તેવી રજુઆત મનપાના ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજાને સાથે રાખી વાલ્મીકી સમાજ અને કમીટી દ્વારા સિવિલ અધિક્ષકને કરવામાં આવી હતી. આ રજુઆતને ધ્યાનમાં રાખી દૈનિક 30 જેટલી અરજીઓનો નિકાલ કરવા સિવિલ અધિક્ષક દ્વારા મંજુરી આપવામાં આવી હતી.
