વ્યાજખોરના ત્રાસથી યુવકનો આપઘાતનો પ્રયાસ: પિતાનું અપહરણ કરી ગયાનો આરોપ

વ્યાજના વરૂઓ બેફામ બન્યા હોય તેમ અવારનવાર વ્યાજખોરો સામે પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ રહી છે અને પોલીસ પણ વ્યાજખોરીના દુષણને ડામવા લોક દરબાર યોજી રહી…

વ્યાજના વરૂઓ બેફામ બન્યા હોય તેમ અવારનવાર વ્યાજખોરો સામે પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ રહી છે અને પોલીસ પણ વ્યાજખોરીના દુષણને ડામવા લોક દરબાર યોજી રહી છે તેમ છતાં વ્યાજખોરો બેફામ બન્યા છે ત્યારે વધુ એક ઘટનામાં પારડી ગામના યુવાને પાંચ ટકા લેખે લીધેલા રૂા.10 હજારની સામે રૂા.3 હજાર ચુકવ્યા હતાં. બાકીના રૂપિયાની ઉઘરાણી કરી વ્યાજખોરોએ ધાક ધમકી આપતાં યુવાને ઘરેથી નીકળી જઈ જયુબેલી ગાર્ડનમાં ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. વ્યાજખોરોએ પિતાનું પણ અપહરણ કરી માર માર્યો હોવાનો આપઘાતનો પ્રયાસ કરનાર યુવાને આક્ષેપ કર્યો છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, શહેરની ભાગોળે આવેલા પારડી ગામે રહેતાં સુજલ રમેશભાઈ વેગડા નામનો 21 વર્ષનો યુવાન ગઈકાલે બપોરના અઢી વાગ્યાના અરસામાં જયુબેલી ગાર્ડનમાં હતો ત્યારે ફિનાઈલ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે એ-ડીવીઝન પોલીસને જાણ કરતાં એ-ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.

પ્રાથમિક પુછપરછમાં સુજલ વેગડાએ ચાર મહિના પહેલા ડી.આર.નામના શખ્સ પાસેથી રૂા.10 હજાર પાંચ ટકા લેખે વ્યાજે લીધા હતાં. જેના રૂપિયા 3 હજાર ચુકવી આપ્યા હતાં. વ્યાજખોરે બાકીના રૂપિયાની ઉઘરાણી કરી ધાક ધમકી આપતાં સુજલ વેગડાએ ઘરેથી નીકળી જઈ જયુબેલી ગાર્ડનમાં પહોંચી ફિનાઈલ પી લીધું હોવાનો અને વ્યાજખોર શખ્સે સુજલ વેગડાના પિતા રમેશભાઈ વેગડાનું અપહરણ કરી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે એ-ડીવીઝન પોલીસે તપાસનો દૌર લંબાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *