રાજકોટ શહેરના આજીડેમ ચોકડી પાસે આવેલી પીઠડ આઈ સોસાયટી શેરી નંબર 1 માં રહેતા ભાવનાબેન ભીમજીભાઈ ચૌહાણ (ઉંમર વર્ષ 33) નામના મહિલાએ પોતાની બાળપણની બહેનપણી કાજલ દીપકભાઈ વાઘેલા સામે રૂૂ. 6,50,000 ની કિંમત ધરાવતા પાંચ તોલાના સોનાના હારની ચોરી અંગે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
બનાવની વિગત મુજબ, ગત તા.17/08ના રોજ સવારના સાડા અગિયાર વાગ્યાના સુમારે ભાવનાબેનની તબિયત સારી ન હોવાથી તેઓ ઘરે એકલા હાજર હતા. તે સમયે તેમની બહેનપણી કાજલ તેમના ઘરે આવી હતી અને ચા પીવાની ઈચ્છા દર્શાવી હતી. ઘરમાં દૂધ ન હોવાથી ભાવનાબેન સામે આવેલી દુકાને દૂધ લેવા ગયા હતા.
ભાવનાબેન દૂધ લઈને પરત આવ્યા ત્યારે રૂૂમનો દરવાજો અંદરથી બંધ હતો અને કાજલે કપડાં બદલાવવાનું બહાનું કાઢ્યું હતું. ભાવનાબેન રસોડામાં ચા બનાવવા ગયા અને ચા બની ગયા બાદ પણ કાજલે દરવાજો મોડો ખોલ્યો હતો. કાજલે ભાવનાબેનની નજર ચૂકવીને કબાટમાંથી આશરે પાંચ તોલાનો સોનાનો હાસડી હાર ચોરી લીધો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ગત તા.30/08ના રોજ ભાવનાબેનના જેઠની દીકરી અંજુની સગાઈનો પ્રસંગ હોવાથી, તેમણે 21/09/2022 ના રોજ ખરીદેલો સોનાનો હાર પહેરવા માટે કબાટ ખોલ્યો હતો. કબાટમાં તપાસ કરતા સોનાનો હાર મળી આવ્યો ન હતો અને ઘરમાં શોધખોળ કરવા છતાં હાર ન મળતા ચોરી થઈ હોવાનું માલૂમ પડ્યું હતું. ભાવનાબેને આ અંગે પોતાની રીતે તપાસ શરૂૂ કરી હતી અને તેમની બહેનપણી વૈશાલીબેન વનરાજભાઈ મકવાણા (રહે. કાથરોટા) ને ફોન કરીને પૂછપરછ કરતા, વૈશાલીબેને પણ પોતાનો સોનાનો હાર ચોરાયો હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત, અન્ય બહેનપણી મનીષા કાનજીભાઈ સારદીયા સાથે વાત કરતા તેમણે પણ માહિતી આપી હતી કે 05/08ના રોજ કાજલ તેમના ઘરે આવી હતી અને ત્યારબાદ તેમના ફઈબાના ઘરમાંથી પણ સોના-ચાંદીના દાગીના તથા રોકડની ચોરી થઈ હતી.
અન્ય સ્થળોએ પણ આવી ઘટનાઓ બની હોવાની જાણ થતાં ભાવનાબેનની શંકા કાજલ પર મજબૂત બની હતી. તા. 17/08 ના રોજ કાજલ દીપકભાઈ વાઘેલા (રહે. ગંજીવાડા, રાજકોટ) એ કબાટમાંથી રૂૂ. 6,50,000 ની કિંમતનો પાંચ તોલાનો સોનાનો હાર ચોરી કર્યો હોવાની પૂરી શંકા સાથે તારીખ 08/09ના રોજ આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
