ફોરેક્સ ટ્રેડિંગમાં ઊંચા નફાની લાલચ આપી નવીનચંદ્ર ચાવડા (ઉ.વ.63) સાથે ઓનલાઈન રૂૂા.12 લાખનું ફ્રોડ થયાની સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. આ રીતે શેર-બજારમાં અને ફોરેક્સમાં ઊંચા વળતરની લાલચ આપી અત્યાર સુધી સેંકડો લોકો સાથે ઓનલાઈન છેતરપિંડી થઈ ચુકી છે. આમ છતાં ભોગ બનનારા તેમાંથી કોઈ સબક લેતા નથી.
વધુ વિગતો મુજબ,રૈયા રોડ પરના તિરુપતિનગર શેરી નં.1માં રહેતા નવીનચંદ્ર સોફ્ટવેર ડેવલપમેન્ટનું કામ કરે છે. રેસકોર્સ રીંગ રોડ પાસે આવેલ જીટી શેઠ હોસ્પિટલમાં ઓર્થોપેડિક સાધનોનો વિભાગ પણ સંભાળે છે. તેણે પોલીસને જણાવ્યું કે, ગઈ તા.3ના રોજ ઈન્સ્ટાગ્રામ જોતા હતા ત્યારે એક પેજ ખોલ્યું હતું. બીજા દિવસે શિવમ નામના શખ્સે કોલ કરી એક એપ ડાઉનલોડ કરાવી હતી. ત્યારબાદ તેની પાસેથી ઈમેઈલ આઈડી, કોન્ટેક્ટ નંબર, બેંક ખાતા સહિતની વિગતો માંગી હતી.
આ પછી તેની વિગતો સબમીટ થઈ ગયાનું જણાવી રૂૂા.1 હજાર ટ્રાન્સફર કરાવ્યા હતા. ત્યારબાદ વધુ રૂૂા.49હજાર ટ્રાન્સફર કરતા એપ્માં તેને બેલેન્સ જોવા મળ્યું હતું. તે સાથે જ હવે તમારું ટ્રેડ ચાલુ થઈ ગયું છે તેમ જણાવાયું હતું. પંદરેક દિવસ બાદ વધુ પૈસા રોકી વધુ કમાણીની લાલચ આપી હતી. જે લાલચમાંને લાલચમાં રૂૂપિયા આપતા ગયા હતા.
તેની એપ ઉપર નફો પણ ખૂબ સારો દેખાતો હતો. આખરે ગઈ તા.27મીએ તેને રૂૂા.6 લાખ રોકી બદલામાં 25 હજાર ડોલરના બોનસની લાલચ આપવામાં આવી હતી. તેણે આવડી મોટી રકમ નહીં હોવાનું કહેતા રૂૂા.1.50 લાખ ઉપર 2500 ડોલરના બોનસની લાલચ અપાતા તેમ કર્યું હતું. આખરે તેણે 35 હજાર ડોલર ઉપાડવાનું નક્કી કરી પ્રોસીઝર કરતા થઈ નહતી. જેને કારણે શિવમને કોલ કરતા તેના સાગરીત પ્રતિકે રૂૂા.3.50 લાખ જમા કરાવ્યા પછી જ પેમેન્ટ વિથડ્રો થશે તેમ કહ્યું હતું.
જેની સામે તેણે વધુ પૈસા નથી તેમ કહેતા તેની પાસેથી રૂૂા.2 લાખ માગ્યા હતા. આખરે તેણે તે રકમ કાપી પોતાની રકમ પરત આપી દેવાનું કહ્યું હતું. જો કે તેમ નહીં થતાં છેતરાઈ ગયાનો અહેસાસ થયો હતો. ત્યાં સુધીમાં રૂૂા.12 લાખ ટ્રાન્સફર કરી દીધા હતા.સાયબર ક્રાઈમ પોલીસે શિવમ, પ્રતિક નામના શખ્સો ઉપરાંત મુંબઈની જે ત્રણ બેંકમાં ફ્રોડની રકમ જમા થઈ હતી તેના ખાતાધારકોને આરોપી બનાવી તપાસ શરૂૂ કરી છે.
