હત્યા, છેતરપિંડી, અપહરણ, ચોરી અને દારૂના ગુનામાં બે વર્ષથી 27 વર્ષ સુધી ફરાર 8 ગુનેગારોને ઝડપી જેલ હવાલે કર્યા
રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ-2026ને ધ્યાને રાખીને એક અત્યંત મહત્વપૂર્ણ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. પોલીસ મહાનિદેશકની સૂચના મુજબ, તા. 07/04/2026 થી 21/04/2026 દરમિયાન યોજાયેલી સ્પેશિયલ ડ્રાઇવમાં છેલ્લા ઘણા સમયથી નાસતા ફરતા કુલ 8 રીઢા ગુનેગારોને ઝડપી પાડવામાં સફળતા મળી છે.
રાજ્ય બહારથી ગુનેગારોની ધરપકડ રાજકોટ રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય અને ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્ક્વોડની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમોએ હ્યુમન ઇન્ટેલીજન્સ અને ટેકનીકલ એનાલીસીસની મદદથી રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, તેલંગણા, હરિયાણા અને ઓરિસ્સા જેવા રાજ્યોમાં તપાસ હાથ ધરી હતી.
જેમાં જેતપુર સીટી પોલીસ સ્ટેશનના વર્ષ 1999ના મર્ડર કેસમાં છેલ્લા 27 વર્ષથી નાસતા ફરતા વીરેન્દ્ર ભુરાલાલ પટેલને હરિયાણાના રોહતકથી ઝડપી લેવાયો છે. ઉપરાંત જસદણ પોલીસ સ્ટેશનના વર્ષ 2010ના વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલ ભદ્રાયુ ઉર્ફે ભોળાભાઇ પટેલને હૈદરાબાદ (તેલંગણા) ખાતેથી પકડવામાં આવ્યો હતો. વિરપુરના મર્ડર કેસમાં 13 વર્ષથી ફરાર રોહન યાદવને ઉત્તર પ્રદેશથી અને મોરબીના પોક્સો અને અપહરણના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને પણ તેમના વતનમાંથી ઝડપી લેવાયા છે. આ ઉપરાંત પ્રોહીબીશન અને ચોરીના ગુનામાં સંડોવાયેલા ઈનામી આરોપીઓને પણ રાજસ્થાન અને મધ્ય પ્રદેશ ખાતેથી દબોચી લેવામાં આવ્યા છે.
કામગીરી કરનાર ટીમ આ સફળ ઓપરેશનમાં એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર વી.વી. ઓડેદરા, પી.એસ.આઈ. પી.એન. ભરવાડ અને તેમની ટીમે નોંધપાત્ર કામગીરી કરી છે. પોલીસની આ કડક કાર્યવાહીથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને આગામી ચૂંટણીઓ શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે દિશામાં આ એક મોટું કદમ માનવામાં આવી રહ્યું છે.
