પ્રેમ સંબંધ રાખવા મુદ્દે શખ્સ દબાણ કરતો હતો અને માનસિક ત્રાસથી કંટાળી જઈ યુવતીએ ઝેરી પાવડર પી લેતા તેમનું મોત નિપજ્યું હતું. પોલીસે તપાસ હાથ ધરી હતી.
વિસાવદર પાસેના એક ગામની 22 વર્ષીય યુવતીએ ગત તા. 22 જાન્યુઆરીના રોજ સેલફોસ પાવડર પી લેતા 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે વિસાવદર ખાતે ખસેડવામાં આવી હતી. ત્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે જુનાગઢની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી.
જ્યાં સારવાર દરમિયાન યુવતીનું મૃત્યુ નિપજ્યું હતું. દરમિયાન સોમવારે યુવતીની માતાએ વિસાવદરનો રાજેશ ઉર્ફે રાજુ સોલંકી સામે વિસાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ અનુસાર શખ્સ યુવતીને અવાર નવાર મળવા માટે ઘરની આજુબાજુમાં આંટા મારતો અને એના ઘરની ડેલી પણ ખખડાવતો હતો. તેમજ પજવણી કરી ખોટી રીતે પ્રેમ સંબંધ રાખવા દબાણ કરતો હતો અને અવારનવાર માનસિક આપી હેરાન કરતો હોય અને ધમકી આપતા જેથી કંટાળી જઈ ગત તા. 22 જાન્યુઆરીના રોજ અનાજમાં નાખવાનો સેલફોસ પાવડર પી જતા સારવાર દરમિયાન દીકરીનું મૃત્યુ થયું હોવાની ફરિયાદ કરી હતી. જેનાં આધારે રાજેશ ઉર્ફે રાજુ સોલંકી સામે જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઇ આર. ડી. રોહિતે હાથ ધરી હતી.
