વિજય પ્લોટમાં બાઇકના પાર્કિંગ મામલે ધમાલ, યુવાન પર કૌટુંબિક ભાઇઓનો હુમલો

શહેરના ગોંડલ રોડ પર આવેલા વિજય પ્લોટ વિસ્તારમાં પાર્કિંગ બાબતે કૌટુંબિક સભ્યો વચ્ચે ચાલી રહેલી તકરારમાં મારામારીનો બનાવ બનવા પામ્યો હતો.પોતાના જ પરિવારના સભ્યોએ એક…

શહેરના ગોંડલ રોડ પર આવેલા વિજય પ્લોટ વિસ્તારમાં પાર્કિંગ બાબતે કૌટુંબિક સભ્યો વચ્ચે ચાલી રહેલી તકરારમાં મારામારીનો બનાવ બનવા પામ્યો હતો.પોતાના જ પરિવારના સભ્યોએ એક યુવાન પર હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. ઇજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર, ગોંડલ રોડ વિજય પ્લોટમાં રહેતા હર્ષદભાઈ પરસોત્તમભાઈ ઝરિયા (ઉ.વ. 33) ગઈકાલે રાત્રિના સમયે પોતાના ઘર પાસે હાજર હતા. તે દરમિયાન તેમના જ કૌટુંબિક સભ્યો સાથે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. વિવાદ એટલો વકર્યો હતો કે સામા પક્ષના લોકોએ ઉશ્કેરાઈને હર્ષદભાઈ પર ઢીકાપાટુનો આડેધડ માર મારી હુમલો કર્યો હતો. આ હુમલામાં હર્ષદભાઈને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને હોસ્પિટલના બિછાને સારવાર લેવી પડી છે.

ચોંકાવનારી બાબત એ છે કે હુમલો કરનાર તમામ શખ્સો હર્ષદભાઈના નજીકના સગા થાય છે. ઇજાગ્રસ્ત હર્ષદભાઈના જણાવ્યા પંકજ તેમનો કૌટુંબિક ભાઈ,ધર્મેશ તેમના ફઈનો દીકરો થાય અને આરોપી કરમશીભાઈ તેમના સગા મામા થાય છે.ઝઘડાના મૂળમાં બાઈક પાર્કિંગની નજીવી બાબત જવાબદાર હોવાનું સામે આવ્યું છે. આરોપી પંકજે પોતાનું બાઈક હર્ષદભાઈના કારખાના પાસે પાર્ક કર્યું હતું. આ બાબતે હર્ષદભાઈએ ટોકતા અને ત્યાં બાઈક ન રાખવા બાબતે બોલાચાલી થઈ હતી. આ સામાન્ય વાતમાં મામા અને ભાઈઓએ ભેગા મળી હર્ષદભાઈને મેથીપાક ચખાડ્યો હતો.બનાવ અંગે સિવિલ હોસ્પિટલ ચોકી દ્વારા સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી છે. પોલીસે હર્ષદભાઈનું નિવેદન નોંધી, પંકજ, ધર્મેશ અને કરમશી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *