રાજ્યના 20 જિલ્લાને ધમરોળતું માવઠુ, અનેક સ્થળે વાવાઝોડું ફૂંકાયું

ગુજરાતમાં માવઠાની આગાહી વચ્ચે આજે વહેલી સવારથી રાજ્યના 20 જિલ્લામાં મીની વાવાઝોડા વચ્ચે કમોસમી વરસાદ ત્રાંટકતા જનજીવન પ્રભાવિત થયું હતું. કેટલાક સ્થળે 40 કિ.મી.ની ઝડપે…

ગુજરાતમાં માવઠાની આગાહી વચ્ચે આજે વહેલી સવારથી રાજ્યના 20 જિલ્લામાં મીની વાવાઝોડા વચ્ચે કમોસમી વરસાદ ત્રાંટકતા જનજીવન પ્રભાવિત થયું હતું. કેટલાક સ્થળે 40 કિ.મી.ની ઝડપે ધુળની ડમરીઓ ઉડી હતી. અને ત્યાર બાદ કમોસમી વરસાદ પડ્યો હતો. જેના કારણે ઘણા વિસ્તારોમાં વીજ પૂરવઠો પણ ખોરવાઈ ગયો હતો. અમુક સ્થળે મંડપ સમિયાણા અને પતરા પણ ઉડ્યા હતા જ્યારે બનાસકાંઠા જિલ્લામાં સોલાર પેનલોનો સોંથ વળી ગયો હતો તો સુરેન્દ્રનગર જિલ્લામાં પણ સોલાર પેનલો સાથે રણ વિસ્તારમાં અગરિયાઓના ઝુંપડા ઉડી ગયા હતાં.

આજે બનાસકાંઠા, પાટણ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 20થી વધુ જિલ્લાઓમાં ગાજવીજ અને ભારે પવન સાથે માવઠું વરસ્યું છે. આવતીકાલે સાબરકાંઠા, અરવલ્લી અને દાહોદ પંથકમાં વરસાદની શક્યતા છે.
કમોસમી વરસાદના આ સંકટને પગલે ખેડૂતોને પોતાના પાકની સલામતી રાખવા માટે તંત્ર દ્વારા સાવચેત કરવામાં આવ્યા છે.

ગાંધીનગર તથા અમદાવાદમાં વહેલી સવારથી ધૂળની ડમરીઓ ઉડતા વાહનચાલકોને ભારે હાલાકી પડી હતી. પવનની ગતિ એટલી તીવ્ર હતી કે શહેરના કેટલાક વિસ્તારોમાં ઝાડ પડવાના બનાવો બન્યા છે. ઉજાલા અને વણઝર જેવા વિસ્તારોમાં ભારે પવનને કારણે લાઈટો ગુલ થઈ ગઈ હતી. ઝાડ પડવાના કોલ મળતા જ ફાયરની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી રસ્તાઓ સાફ કરવાની કામગીરી હાથ ધરી હતી.

પાટણ તથા સાબરકાંઠા જિલ્લામાં ચૈત્રી માસના પ્રારંભે જ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. વહેલી સવારથી જ ભારે વાવાઝોડું ફૂંકાતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે. ખેતરમાં સુકવવા મુકેલી તમાકુ પવનમાં ઉડી ગઈ છે, જ્યારે ઘઉંના પાકને પણ ભારે ફટકો લાગ્યો છે. અચાનક આવેલા આ વાવાઝોડાથી ખેડૂતોમાં ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગરના રણમાં ભારે પવન અને વરસાદથી અગરિયાઓ મુશ્કેલીમાં મુકાયા છે. મીઠું પકવવાની સિઝન વચ્ચે આવેલા આ વાતાવરણ પલટાએ અગરિયાઓના ઝુંપડા ઉડાડ્યા છે અને મોંઘીદાટ સોલાર પેનલો તોડી નાખી છે. વરસાદને કારણે મીઠાના ઉત્પાદનને પણ વ્યાપક નુકસાનની ભીતિ છે.

ખેડૂતો બાદ હવે રણના અગરિયા પરિવારો ભારે પવન અને વરસાદ વચ્ચે ફસાતા ભયભીત બન્યા છે, જેનાથી તેમની આજીવિકા પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે. મહેસાણા જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. વહેલી સવારે ભારે પવન ફૂંકાતા અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો અને લાઈટો ગુલ થઈ ગઈ. ઉનાળાની ગરમી વચ્ચે લોકોને ઠંડકનો અહેસાસ થયો. હવામાન વિભાગે આગાહી મુજબ આ બદલાવ નોંધાયો હોવાનું જણાવ્યું છે. અચાનક બદલાયેલા માહોલથી લોકોમાં આશ્ચર્ય સાથે રાહતનો માહોલ જોવા મળ્યો.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સર્ક્યુલેશનના કારણે માવઠું
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાને કારણે આ માવઠાની સ્થિતિ સર્જાઈ છે. આ સિસ્ટમને કારણે આગામી 20 માર્ચ સુધી રાજ્યમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદી માહોલ જળવાઈ રહેશે. જોકે, સારી વાત એ છે કે ગરમીમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થતા લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *