ગોંડલના માંડણકુંડલા પાસે ટ્રેકટરની ઠોકરે બાઈક ચાલકનું મોત નિપજ્યું’તું: 108 અને હેલ્પડેસ્કની ટીમે પણ રૂપિયા જોયા હોવાનો પરિવારનો આરોપ
ગોંડલના માંડણકુંડલા ગામે ખેતમજુરી કરતાં આધેડ પોતાનું બાઈક લઈને હટાણુ કરવા જતાં હતાં ત્યારે ટ્રેકટરની ઠોકરે ચડી જતાં મોત નિપજ્યું હતું. મૃતક યુવક પાસેથી મળેલી રૂપિયા 19,920ની રોકડ સિવિલ હોસ્પિટલમાંથી ગાયબ થઈ જતાં દેકારો મચી ગયો હતો. 108ની ટીમ અને હેલ્પ ડેસ્કની ટીમે મૃતક યુવાન પાસે રૂપિયા જોયા હતાં. બાદમાં ઈમરજન્સીમાં દાખલ કર્યા બાદ રૂપિયા ગાયબ થઈ ગયા હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે.
આ બનાવ અગેં પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ગોંડલના માંડણકુંડલા ગામે ખેત મજુરી અર્થે આવેલા સગાભાઈ ગોખરીયાભાઈ બારૈયા (ઉ.55) પોતાનું બાઈક લઈ શ્રીનાથગઢ અને માંડણકુંડલા વચ્ચેથી પસાર થઈ રહ્યા હતાં ત્યારે અજાણ્યા ટ્રેકટર ચાલકે બાઈકને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા આધેડને તાત્કાલીક 108 મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતાં. જ્યાં આધેડનું મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
પ્રાથમિક પુછપરછમાં સગાભાઈ બારૈયા મુળ મધ્યપ્રદેશના વતની હતી અને તેને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે. અકસ્માતમાં ઘવાયેલા આધેડ હટાણુ કરવા જતાં હતાં ત્યારે તેમને અકસ્માત નડયો હતો. ઈજાગ્રસ્ત આધેડના ખીસ્સામાં રૂપિયા 19,920ની રોકડ હતી જે રૂપિયા 108ની ટીમ અને હેલ્પ ડેસ્કની ટીમે જોયા હતાં. પરંતુ આધેડને ઈમરજન્સીમાં દાખલ કરાયા બાદ મોત નિપજ્યું હતું. ઈમરજન્સીમાં દાખલ કરાયા બાદ આધેડના ખીસ્સામાંથી રૂપિયા ગાયબ થઈ ઘયા હોવાનો પરિવાર દ્વારા સનસનીખેજ આક્ષેપ કરવામાં આવ્યો છે.
