ઓય માડી ઓય બાપલીયાનો ‘રાગ’ છેડાવતી પોલીસ, ‘ધાક’ જમાવવાનું પરાક્રમ જીવનભર યાદ રહે તેવી ટ્રીટમેન્ટ
રાજકોટમાં 150 ફૂટ રીંગરોડ ઉપર આવેલ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ઉપર દારૂના નશામાં ખાલી બોટલોના ‘ઘા’ કરનાર ટોળકીને પોલીસે ઝડપી લઇ જીવનભર યાદ રહે તેવી ‘ટ્રીટમેન્ટ’ આપી હતી. છાતી ફૂલાવીને ફરતા આ ગઠીયા દાદાઓનું પોલીસે ઘટના સ્થળે રિક્ધસ્ટ્રકશન કરાવ્યુ ત્યારે રોબોટની માફક ચાલતા અને દેડકાની માફક હાંફતા જોવા મળ્યા અને ઓય…માડી…ઓય બાપલીયા…ભૂલ થઇ ગઇ….. અમે નહીં પોલીસ જ અમારા દાદા છે. તેવો રાગ આલાપતા સંભળાયા હતા. લોકોએ પણ મફતમાં ભરપુર મનોરંજન માણયુ હતું.
150 ફૂટ રિંગ રોડ પર આવેલા ગાંધીગ્રામ પોલીસ મથક ઉપર બે દિવસ પહેલાં રાત્રે પાંચેક લુખ્ખાઓએ સોડા-બોટલના ઘા કરી પોલીસની ધાક કેટલી રહી ગઈ છે તેની પ્રતિતિ કરાવી હતી. આ પાંચેય લુખ્ખાઓને ગાંધીગ્રામ પોલીસે ઝડપી લઈ જેટલા સ્થળોએ ગુના આચર્યા હતા ત્યાં લઈ જઈ રિક્ધસ્ટ્રકશન પંચનામું કરી પોતાની પીઠ થાબડી હતી. અંધારામાં પરાક્રમ કરનાર આરોપીઓને પકડવા માટે પોલીસની જુદી-જુદી ટીમો કામે લગાડાઈ હતી. તપાસમાં નામચીન બુટલેગર હર્ષદ મહાજનના પુત્ર જેનીશની ટોળકીનું આ કૃત્ય હોવાનું બહાર આવ્યું હતું. આખરે જૈનીશ સહિતના ચાર આરોપીઓને દિવ પોલીસે ઝડપી લીધા હતા. આ ચારેય આરોપીઓ ગુનો કર્યા બાદ દિવ ભાગી ગયા હતા.
જે અંગે જાણ થતાં દિવ પોલીસે એક હોટલના પાર્કિંગમાંથી પોલીસે જેનીશ હર્ષદ ઉર્ફે મહાજન માંડલીયા (ઉ.વ.20, રહે. સુંદરમ શિલ્પ એપાર્ટમેન્ટ, 150 ફૂટ રીંગ રોડ), અજય ઉર્ફે સદામ બિપીનભાઈ મહેતા (ઉ.વ.26, રહે. બાપા સિતારામ ગૌશાળા પાસે, 150 ફૂટ રીંગ રોડ), વિશાલ રાજુભાઈ ગોહીલ (ઉ.વ.21, રહે. મનહરપુર-2), જય પ્રભાતભાઈ ખાંભરા (ઉ.વ.20 રહે. પંચશીલ સોસાયટી શેરી નં.11) અનેકરણ રાજુભાઈ પરમાર (ઉ.વ.24, રહે. પરાશર પાર્ક-ર, જામનગર રોડ)ની ધરપકડ કરી હતી.આ ઘટનામાં ગાંધીગ્રામ પોલીસના પીઆઇ એસ.આર.મેઘાણીના માર્ગદર્શનમાં પીએસઆઇ વી.ડી.રાવલીયા, રવીભાઇ ગઢવી,શબ્બીરખાન મલેક,ભવદીપસિહ ગોહીલ,મુકેશભાઇ સબાડ અને રઘુવીરસિંહ જાડેજા અને ભરતભાઇ મકવાણા અને એલસીબી ઝોન.2ના એ.એસ.આઇ જે.વી.ગોહીલે આરોપીઓનો કબજો લઇ તેની પાસેથી ચાર મોબાઈલ ફોન, થાર કાર અને ટુ વ્હીલર કબજે લેવાયું હતું.
અજય ઉર્ફે સદામ સહિતની ટોળકી સામે કુલ 30 ગુના
આરોપી અજય સામે આ અગાઉ દારૂૂ, ચોરી, મારામારી, જાહેરનામા ભંગ સહિતના 17 ગુના નોંધાયા છે. આરોપી વિશાલ સામે મારામારી અને દારૂૂ સહિત ત્રણ, આરોપી જેનીશ સામે ખૂનની કોશિષ, હુમલા, મારામારી સહિતના 7 ગુના નોંધાયા છે. ગયા વર્ષે તેની પાસામાં પણ અટકાયત કરવામાં આવી હતી. આરોપી જય સામે મારામારી, પ્રોહિબિશન સહિત પાંચ અને આરોપી કરણ સામે એક ગુનો નોંધાયેલો છે. પાંચેય આરોપીઓ ગુનાઈત ઈતિહાસ ધરાવે છે. આમ છતાં અવાર-નવાર ગુના કરે છે. જેનાથી સ્પષ્ટ છે કે પોલીસનો કોઈ ડર રહ્યો નથી.
