શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે ધોળા દિવસે લૂંટના બનાવ સામાન્ય બની ગયા છે આજે શહેરના લખધીરપુર રોડ પર સાંજના સુમારે બાઈકમાં આવેલ બે અજાણ્યા ઇસમોએ બાઈક ચાલક યુવાનને હથિયાર દેખાડી રોકડ, મોબાઈલ અને સોનાના ચેનની લૂંટ ચલાવી નાસી ગયા હતા.
બનાવની સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના સિરામિક ઝોન લખધીરપુર રોડ પર એક બાઈક ચાલક યુવાન જતો હતો ત્યારે બાઈકમાં આવેલ બે અજાણ્યા ઈસમો હિન્દીભાષી જેવાએ યુવાનના બાઈકને આંતરી લીધું હતું અને કોઈ હથિયાર દેખાડી લૂંટ ચલાવી હતી નંબર પ્લેટ વગરની બાઈકમાં આવેલ બે ઈસમો યુવાન પાસેથી રોકડ રૂૂ 5000, મોબાઈલ અને સોનાના ચેનની લૂંટ ચલાવી નાસી ગયા હતા. બનાવને પગલે જીલ્લામાં નાકાબંધી કરવામાં આવી હતી અને પોલીસે વિવિધ દિશામાં તપાસ ચલાવી હતી અને ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.
ટ્રક અડફેટે મોત
માળીયા મિયાણા તાલુકાના વવાણીયા ગામે રહેતા સીદીકભાઈ ઇશાભાઈ ઉમરભાઈ બુચડ નવલખી પોર્ટ ખાતે કોલસાની ટ્રકોમાં તાલપત્રી બાંધવાની મજૂરી કરતા હતા. ગઈકાલે તા. 13/02ની રાત્રે પ્લોટ નં. 10-સી ખાતે કોલસાથી ભરેલી ટ્રકમાં તાલપત્રી બાંધવાનું કામ પૂર્ણ કરી તેઓ ચાલીને જઈ રહ્યા હતા. તે દરમિયાન પાછળથી આવી રહેલા ટ્રક ટ્રેઇલર (રજી. નં. RJ-06-GC-3373)ના ચાલકે બેદરકારીપૂર્વક અને ઝડપી હંકારી સીદીકભાઈને પાછળથી ટક્કર મારી હતી. અકસ્માતના ઝટકાથી સીદીકભાઈ રસ્તા પર પટકાયા હતા અને ટ્રકના આગળના વ્હીલ તેમનાં માથા ઉપર ફરી વળતાં તેમનું માથું છૂંદાઈ ગયું હતું.
જેના કારણે સ્થળ પર જ તેમનું દુખદ મોત નિપજ્યું હતું. અકસ્મતમાં ટ્રક ચાલક પોતાનું વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો. મૃતકના પિતા ઇશાભાઈ ઉમરભાઈ બુચડ દ્વારા માળીયા(મી) પોલીસ મથકે આરોપી ટ્રક ટ્રેઇલર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ગુનો નોંધી ફરાર આરોપીની અટકાયત માટે શોધખોળ શરૂૂ કરી છે.
