નીચેથી ઉપરના અધિકારીઓ સુધી કારનો છુટથી દુરઉપયોગ, બંધારણીય પદ વગર પદાધિકારીઓને ગાડીઓની ‘લ્હાણી’
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈશ્વિક સ્તરે ઉર્જા સંકટ અને પર્યાવરણીય પડકારોને ધ્યાને રાખીને દેશવાસીઓને અત્યંત મહત્વની અપીલ કરી છે. વડાપ્રધાને નાગરિકોને પોતાના અંગત અને ખાનગી વાહનોનો ઉપયોગ ઘટાડીને જાહેર પરિવહન એટલે કે માસ ટ્રાન્સપોર્ટનો મહત્તમ ઉપયોગ કરવા જણાવ્યું છે. આ સાથે જ્યાં શક્ય હોય ત્યાં ’વર્ક ફ્રોમ હોમ’ અપનાવી ઇંધણની બચત કરવા પણ ભાર મૂક્યો છે. જોકે, આ આહવાનની સૌથી પહેલી અને કડક અમલવારી સરકારી કચેરીઓથી કરવાની જરૂૂર છે, કારણ કે માત્ર રાજકોટ મહાનગરપાલિકાનો જ વાર્ષિક ઇંધણ ખર્ચ રૂૂ. 12 કરોડ પહોંચી ગયો છે. ઙખની અપીલને માન આપી ગાડીઓનો મોહ છોડી સાહેબો સિટિબસનો ઉપયોગ કરે તો પ્રજાને પણ પ્રેરણા મળે અને લાખો રૂૂપિયા પણ બચાવી શકાય.
સૌરાષ્ટ્રના આર્થિક અને વહીવટી કેન્દ્ર એવા રાજકોટમાં એ-ગ્રેડની મહાનગરપાલિકા, કલેક્ટર કચેરી, બહુમાળી ભવન અને જિલ્લા પંચાયત જેવી મહત્વની સંસ્થાઓ આવેલી છે. આ તમામ કચેરીઓમાં પદાધિકારીઓથી માંડીને ઉચ્ચ અધિકારીઓ સુધી તમામને મોંઘીદાટ ગાડીઓ અને ઇંધણની સુવિધા મળે છે. ખાસ કરીને રાજકોટ મહાનગરપાલિકાની વાત કરીએ તો, વર્ષ 2025-26 દરમિયાન પેટ્રોલ અને ડીઝલ પાછળનો ખર્ચ રૂૂ. 12 કરોડ જેટલો થયો હતો.
મનપા પાસે અમૂલ સર્કલ નજીક પોતાનો પેટ્રોલ પંપ હોવા છતાં આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે. મનપા હસ્તક હાલ 24 ટઈંઙ કાર સહિત 341 પોતાના વાહનો છે અને અનેક વાહનો કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવ્યા છે. આ વાહનો અને જનરેટર સેટ પાછળ વર્ષે કરોડો રૂૂપિયાનો ધુમાડો થઈ રહ્યો છે.હાલમાં મનપામાં મેયર, ડેપ્યુટી મેયર અને વિવિધ સમિતિઓના ચેરમેન ઉપરાંત શાસક પક્ષના નેતા અને દંડક જેવા પદો ઉપર સરકારી ગાડીઓની લહાણી કરવામાં આવી છે. નોંધનીય છે કે દંડક કે શાસક પક્ષના નેતા એ કોઈ બંધારણીય પદ નથી, છતાં તેમને ગાડીની સુવિધા ફાળવવામાં આવી છે. બીજી તરફ, મનપાના કમિશનરથી લઈને આસિસ્ટન્ટ કમિશનર અને ઇન્ચાર્જ સિટી ઇજનેરો સુધી તમામ અધિકારીઓ સરકારી વાહનોનો બેરોકટોક ઉપયોગ કરી રહ્યા છે.
ઘણા કિસ્સામાં અધિકારીઓ પેટ્રોલ એલાઉન્સ પણ મેળવે છે અને સરકારી ગાડી પણ વાપરે છે તેવી ફરિયાદો કર્મચારી સંગઠનો દ્વારા અગાઉ કરવામાં આવી જ છે.મનપાની આર્થિક સ્થિતિ હાલ એવી છે કે તેમણે બોન્ડ બહાર પાડીને બજારમાંથી ભંડોળ એકઠું કરવું પડ્યું છે અને કમિશનરને રૂૂ. 200 કરોડની લોન લેવા માટે પણ સત્તા આપવામાં આવી છે. આવી આર્થિક કટોકટીમાં પણ જો વાહનોના લિસ્ટમાં કાપ મુકવામાં ન આવે તો તે પ્રજાના નાણાંનો વ્યય ગણાશે. અગાઉ ગત વર્ષે વોર્ડ ઓફિસરની ગાડીઓ બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો, પરંતુ હજુ પણ આવા અનેક વિભાગો છે જ્યાં ગાડીની સુવિધા ઘટાડી શકાય તેમ છે. સરકારી કચેરીઓમાં શિસ્ત લાવવા માટે ગુજરાત સરકાર હવે નવી ગાઇડલાઇન ઘડવા જઈ રહી છે ત્યારે રાજકોટની કચેરીઓમાં પણ તેનો કડક અમલ જરૂૂરી છે.
સાહેબો સીટી બસમાં મુસાફરી કરે તે જરૂરી
વડાપ્રધાનની અપીલ ત્યારે જ સાર્થક થશે જ્યારે સરકારી કચેરીના ’સાહેબો’ અને લોકપ્રતિનિધિઓ પોતે સિટી બસમાં મુસાફરી કરવાની શરૂૂઆત કરશે. લાખોનો પગાર લેતા અધિકારીઓ અને સરકારી ગાડીઓમાં ફરતા નેતાઓ જનતાને તો જાહેર પરિવહન વાપરવાની સલાહ આપે છે, પરંતુ તેઓ પોતે ક્યારેય બસમાં બેસતા નથી. અધિકારીઓનો બચાવ એવો હોય છે કે બસના સમય પત્રક મુજબ તેઓ કચેરીએ સમયસર પહોંચી શકતા નથી, જેનો અર્થ એ થયો કે તેમને પોતાની જ બસ વ્યવસ્થા પર વિશ્વાસ નથી.
