રાઈડ્સ પરના કડક પ્રતિબંધને લઈને નાના ધંધાર્થીઓએ પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું
પોલીસ અને નગરપાલિકા દ્વારા બળજબરીથી ધંધો બંધ કરાવી દેવામાં આવ્યો હોવાના આક્ષેપ
ગિરનારની શાંત તળેટીમાં આવેલું ભવનાથ ક્ષેત્ર સામાન્ય રીતે રવિવારના દિવસે શ્રદ્ધાળુઓ અને સહેલાણીઓના આનંદ-પ્રમોદથી ગાજતું હોય છે, પરંતુ રવિવારે અહીં ભક્તિના બદલે ભારે અરાજકતા, સૂત્રોચ્ચાર અને તંત્ર સામેના આક્રોશના દ્રશ્યો જોવા મળ્યા હતા. રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ સમગ્ર રાજ્યમાં વહીવટી તંત્ર દ્વારા મનોરંજનની રાઈડ્સ પર કડક પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે, જેની સીધી અને ગંભીર અસર જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં નાની રાઈડ્સ ચલાવીને ગુજરાન ચલાવતા ગરીબ પરિવારો પર પડી છે.
લાંબા સમયથી ધંધો બંધ રહેતા આર્થિક સંકડામણ અનુભવતા નાના ધંધાર્થીઓ અને રાઈડ્સ ધારકોએ ધીરજ ગુમાવીને ભવનાથનો મુખ્ય રસ્તો રોકી ચક્કાજામ કરી દીધો હતો. પોતાના પરિવારનું પેટ ભરવા માટે મથતા આ શ્રમિકોએ તંત્રની અન્યાયી નીતિ સામે સવાલો ઉઠાવી ઉગ્ર આંદોલન છેડ્યું છે, જેમાં ભવનાથ પોલીસની કથિત દબંગાઈ અને ધમકીઓએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે.આ આંદોલન દરમિયાન નાના ધંધાર્થીઓએ ભવનાથ પોલીસ પર અત્યંત ગંભીર અને ચોંકાવનારા આક્ષેપો કર્યા છે.આંદોલનકારીઓએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, જ્યારે તેઓ પોતાની રોજીરોટી માટે રજૂઆત કરવા ગયા ત્યારે પોલીસે માનવીય અભિગમ અપનાવવાને બદલે ’દબંગાઈ’ બતાવી હતી. ધંધાર્થીઓના દાવા મુજબ, પોલીસે તેમને ધમકાવતા એવું પૂછ્યું હતું કે, “તમે ક્યારેય પોલીસનો માર ખાધો છે? જો અહીંથી ઊભા નહીં થાવ તો માર ખાવો પડશે.
આ વાતથી રોષે ભરાયેલા શ્રમિકોએ પ્રશ્ન કર્યો હતો કે શું પોતાના બાળકો માટે રોજીરોટી માંગવી એ કોઈ ગુનો છે ? શું અમે કોઈ ચોરી કે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી રહ્યા છીએ કે અમને માર મારવાની ધમકી આપવામાં આવે છે ? નીતાબેન નામના એક મહિલા ધંધાર્થીએ રડમસ અવાજે જણાવ્યું કે તેઓ છેલ્લા બાર મહિનાથી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. જ્યારે તેઓ રજૂઆત કરવા પોલીસ ચોકીએ ગયા ત્યારે તેમને સ્પષ્ટ કહી દેવામાં આવ્યું કે આ સરકારી જગ્યા છે અને અહીં ધંધો કરી શકાય નહીં. નીતાબેનનો આક્ષેપ છે કે પોલીસ તેમને જેલમાં નાખવાની બીક બતાવે છે, જ્યારે તેઓ માત્ર ચકરડી અને નાની રાઈડ્સ ચલાવીને સન્માનપૂર્વક જીવવા માંગે છે.બીજી તરફ, 15 વર્ષથી આ વ્યવસાય સાથે સંકળાયેલા નિલેશભાઈએ જણાવ્યું કે તેમની પાસે કોઈ મોટા વીજળીથી ચાલતા સાધનો નથી, પરંતુ માત્ર બેટરીથી ચાલતી નાની રાઈડ્સ છે જેનાથી કોઈ જાનહાની થવાનો ખતરો નથી.
તેમ છતાં પોલીસ અને નગરપાલિકા દ્વારા બળજબરીથી તેમનો ધંધો બંધ કરાવી દેવામાં આવ્યો છે. આ ધંધાર્થીઓનો તર્ક છે કે જો રસ્તા પર ખાણી-પીણીની લારીઓ અને અન્ય દબાણોને મંજૂરી મળતી હોય, જેના કારણે વાસ્તવમાં ટ્રાફિકની સમસ્યા સર્જાય છે, તો પછી તેમને સાઈડમાં રહીને ધંધો કરવાની મંજૂરી કેમ નથી આપવામાં આવતી? મોટા ગેમઝોન માલિકોની ભૂલની સજા ગરીબ ફેરિયાઓને કેમ આપવામાં આવી રહી છે તેવો વેધક સવાલ આ પરિવારો કરી રહ્યા છે.રવિવારની રજા હોવાથી પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા, પરંતુ રસ્તો રોકવાના કારણે જિલ્લા પંચાયત ગ્રાઉન્ડ પાસે વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ભારે અફરાતફરી મચી ગઈ હતી.
સ્થિતિ વણસતી જોઈ ભવનાથ પોલીસનો કાફલો અને પીઆઈ પોતે મેદાનમાં ઉતરી આવ્યા હતા. લાંબી સમજાવટ અને પોલીસ સાથેની બોલાચાલી બાદ આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પ્રવાસીઓ માટે મનોરંજનનું કેન્દ્ર એવું ભવનાથ ગ્રાઉન્ડ હાલમાં વિરોધનું કેન્દ્ર બન્યું છે. આંદોલનકારીઓની એક જ માંગ છે કે સરકાર અને તંત્ર સુરક્ષાના નિયમો જાળવીને પણ તેમને નાની રાઈડ્સ ચલાવવાની પરવાનગી આપે જેથી તેમના પરિવાર ભૂખે ન મરે.
