કુવાડવા પાસે ગાયોના નીરણના પૈસાની ઉઘરાણી બાબતે રિક્ષાચાલક પર હુમલો

શહેરના કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગાયોના નીરણના પૈસાની જૂની ઉઘરાણી બાબતે એક રિક્ષા ચાલક પર જીવલેણ હુમલો થયાની ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે…

શહેરના કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગાયોના નીરણના પૈસાની જૂની ઉઘરાણી બાબતે એક રિક્ષા ચાલક પર જીવલેણ હુમલો થયાની ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે ફરિયાદી મનજીભાઈ લાખાભાઈ પરમાર (ઉ.વ. 45) કે જેઓ ગૌસેવાનું કાર્ય કરે છે.તેમણે ત્રણ શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.બનાવની વિગત મુજબ, ફરિયાદી જ્યારે પોતાની રિક્ષા લઈને કુવાડવા ગામ પાસે ગાયો માટે નીરણ લેવા જઈ રહ્યા હતા, ત્યારે આ ઘટના ઘટી હતી.

ઘટનાક્રમ મુજબ, ગત શુક્રવાર, 17 એપ્રિલ 2026ના રોજ બપોરના આશરે સાડા બાર વાગ્યાની આસપાસ ફરિયાદી કુવાડવા ગામની વાંકાનેર ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ સમયે આરોપી અજય મોનાભાઈ મુંધવાએ પોતાની રિક્ષા આડી નાખી મનજીભાઈને ઉભા રાખ્યા હતા. આરોપીએ અઢી મહિના પહેલાના નીરણના ભાડા પેટે બાકી નીકળતા 800 રૂપિયાની માંગણી કરી હતી. ફરિયાદીએ જ્યારે જણાવ્યું કે તમે અગાઉ ભાડું લેવાની ના પાડી હતી, ત્યારે ઉશ્કેરાયેલા અજય મુંધવાએ અપશબ્દો બોલી ઝપાઝપી શરૂ કરી હતી. ઝઘડા દરમિયાન અજય મુંધવાના અન્ય બે મિત્રો, અજયભાઈ નવઘણભાઈ ફાંગલીયા અને એક અજાણ્યો શખ્સ પણ ત્યાં દોડી આવ્યા હતા. આ ત્રણેય શખ્સોએ ભેગા મળી મનજીભાઈને ઢીકાપાટુનો માર માર્યો હતો. હુમલા દરમિયાન મુખ્ય આરોપી અજય મુંધવાએ પોતાના હાથમાં પહેરેલું કડું ફરિયાદીના માથાના પાછળના ભાગે ઝીંકી દેતા તેમને ઈજા થઈ હતી. બૂમાબૂમ થતા અને લોકો ભેગા થવા લાગતા ત્રણેય હુમલાખોરો ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા.

ઇજાગ્રસ્ત મનજીભાઈને તાત્કાલિક સારવાર અર્થે કુવાડવા ગામની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર લીધા બાદ તેમણે કુવાડવા રોડ પોલીસ મથકમાં અજય મોનાભાઈ મુંધવા, અજય નવઘણભાઈ ફાંગલીયા અને એક અજાણ્યા ઇસમ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 115(2), 118(1), 352 અને 3(5) હેઠળ ગુન્હો નોંધાવ્યો છે. હાલ એ.એસ.આઈ. જે.આઈ. વાઘેલા દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *