પિતાએ પશુબલી નહીં ચડાવતા ભુઇમાએ બાળકને મોતને ઘાટ ઉતાર્યો

પાણીના ટાંકામાં ડૂબાડી મકાનને તાળુ મારી દીધું, દફનવિધિ કરી નાખ્યા બાદ લાશ બહાર કાઢી પી.એમ. કરાવતા હત્યા થયાનો ઘટસ્ફોટ ચાર પુત્રી બાદ દીકરાનો જન્મ થતા…

પાણીના ટાંકામાં ડૂબાડી મકાનને તાળુ મારી દીધું, દફનવિધિ કરી નાખ્યા બાદ લાશ બહાર કાઢી પી.એમ. કરાવતા હત્યા થયાનો ઘટસ્ફોટ

ચાર પુત્રી બાદ દીકરાનો જન્મ થતા ભુઇએ ઘેટાની બલી ચડાવવાનું વચન લીધું, સ્વપ્ન નહીં આવતા બલી ચડાવી નહીં અને પુત્ર ગુમાવ્યો

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના પુનિતનગર વિસ્તારમાં 15 દિવસ પહેલા બનેલી એક ઘટનાએ હવે અત્યંત ચોંકાવનારો વળાંક લીધો છે. 4 વર્ષીય માસૂમ બાળક કાર્તિક ફારુકભાઈ એસવાડિયાના શંકાસ્પદ મોત પાછળ ઘાતકી હત્યા અને અંધશ્રદ્ધાનું કાવતરું હોવાની આશંકા સેવાઈ રહી છે. આજે ધ્રાંગધ્રા સીટી પી.આઈ. અને મામલતદારની સીધી દેખરેખ હેઠળ કાયદાકીય પ્રક્રિયા હાથ ધરીને બાળકના મૃતદેહને કબ્રસ્તાનમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન સ્થાનિક લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને વાતાવરણ ગમગીન બની ગયું હતું.

ઘટનામાં માલૂમ પડે છે કે, 15 દિવસ અગાઉ કાર્તિકનું મોત પાણીના ટાંકામાં ડૂબી જવાથી થયું હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. તે સમયે શોકમગ્ન પરિવારે કોઈ પણ શંકા વ્યક્ત કર્યા વગર બાળકની દફનવિધિ પૂર્ણ કરી દીધી હતી. જોકે, જેમ જેમ દિવસો પસાર થયા તેમ તેમ આ અકસ્માત પાછળ કોઈ ગંભીર ગુનો હોવાની આશંકા પ્રબળ બની હતી. આખરે પિતા ફારુકભાઈએ હિંમત ભેગી કરી પોલીસ સમક્ષ અસલી હકીકત રજૂ કરતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. ન્યાયિક તપાસ માટે મૃતદેહને બહાર કાઢીને સચોટ કારણ જાણવા માટે તેને રાજકોટ ફોરેન્સિક લેબ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે.

આ કેસમાં સૌથી વિવાદાસ્પદ પાસું અંધશ્રદ્ધાનું બહાર આવ્યું છે. ફરિયાદી ફારુકભાઈના જણાવ્યા અનુસાર, તેમના ઘર પાસે રહેતી 40 વર્ષીય રેહાનાબેન રફીકભાઈ (જેઓ ભુઈમાં તરીકે ઓળખાય છે) આ ઘટનામાં મુખ્ય શંકાસ્પદ છે. રેહાનાબેન દાણા જોવાનું કામ કરે છે. ફારુકભાઈને ત્યાં ચાર દીકરીઓના જન્મ બાદ કોઈ પુત્ર નહોતો, ત્યારે આ ભુઈમાંએ દાણા જોઈને ભવિષ્યવાણી કરી હતી કે તેમને ત્યાં દીકરાનો જન્મ થશે.

સંજોગોવશાત કાર્તિકનો જન્મ થયો, જેના કારણે પરિવારનો શ્રદ્ધાનો વિષય રેહાનાબેન પર વધી ગયો હતો.
જોકે, આ શ્રદ્ધા ત્યારે અંધશ્રદ્ધામાં ફેરવાઈ જ્યારે કાર્તિક ચાર વર્ષનો થયો ત્યારે રેહાનાબેને પૂનમના દિવસે ’ઘેંટાની બલી’ ચડાવવાની જીદ પકડી હતી. ફારુકભાઈએ આ વાતનો સ્પષ્ટ ઇનકાર કરતા જણાવ્યું હતું કે, “જો મને સપનામાં માતાજી આવીને કહેશે તો જ હું બલી ચડાવીશ.” આ વાતથી નારાજ થયેલી ભુઈમાંએ એવી ધમકી આપી હતી કે જો બલી નહીં ચડે તો દીકરાનો જીવ જોખમમાં મુકાશે. આ ધમકીના થોડા જ સમયમાં કાર્તિકનું રહસ્યમય રીતે મોત નિપજ્યું હતું, જે હવે હત્યામાં ખપાઈ રહ્યું હોવાનું જણાય છે.

મૃતક બાળકના માતા-પિતાએ હવે ગંભીર આક્ષેપ કર્યો છે કે રેહાનાબેને જ તેમના દીકરાને પોતાના પાણીના ટાંકામાં ડૂબાડીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. પિતાએ કબૂલાત કરી હતી કે સમાજમાં બદનામી કે ભયના કારણે શરૂૂઆતમાં તેમણે પાણીમાં ડૂબી જવાની વાત કરી હતી, પરંતુ અંતરાત્માના અવાજ અને ભવિષ્યમાં કોઈ બીજું બાળક આવી અંધશ્રદ્ધાનો ભોગ ન બને તે હેતુથી તેમણે પોલીસનો સંપર્ક કર્યો છે. હાલમાં ધ્રાંગધ્રા પોલીસે આરોપી રેહાનાબેનને સકંજામાં લઈ કડક પૂછપરછ શરૂૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *