કોઠારિયા સોલવન્ટની મહિલાઓ હનુમાન જન્મોત્સવમાં કેટરર્સનું રસોડું કરવા જતાં હતાં ને નડ્યો અકસ્માત
જામનગર હાઈવે પર પડધરી ટોલનાકા નજીક ઓટો રીક્ષા ડીવાઈડર સાથે અથડાઈ પલ્ટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં 4 મહિલા સહિત 6 લોકો ઘવાતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. કોઠારીયા સોલવન્ટમાં રહેતી મહિલાઓ હનુમાન જન્મોત્સવ નિમિત્તે કેટરર્સનું રસોડુ કરવા જતી હતી ત્યારે રસ્તામાં અકસ્માત નડયો હતો.
જાણવા મળતી વિગત મુજબ, કોઠારીયા સોલવન્ટમાં રહેતાં અને કેટરર્સનું કામ કરતાં સાંધનાબેન સંજયભાઈ સોલંકી (ઉ.52), હિનાબેન નયનભાઈ અગ્રાવત (ઉ.61), અમ્રાવતીબેન મોતીભાઈ (ઉ.41), જયોતીબેન બળદેવભાઈ રાઠોડ (ઉ.32) જગદીશભાઈ બચુભાઈ મુરાસીયા (ઉ.47) તમામ સોલવન્ટમાં જ રહેતાં રીક્ષા ચાલક સાહિલભાઈ હનીફભાઈ જુણેજા (ઉ.24)ની રીક્ષામાં બેસી જતાં હતાં દરમિયાન જામનગર રોડ પર પડધરી ટોલનાકા પાસે પહોંચતાં રીક્ષા ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતાં રીક્ષા ડીવાઈડર સાથે અથડાઈ પલ્ટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં રીક્ષામાં બેઠેલી તમામ મહિલાઓ, આધેડ અને રીક્ષા ચાલકને ઈજા થતાં તમામને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી પડધરી પોલીસને જાણ કરી હતી.
પ્રાથમિક તપાસમાં રીક્ષામાં બેઠેલી મહિલાઓ કેટરર્સનું કામ કરતી હોય આજે હનુમાન જન્મોત્સવ નિમિત્તે કેટરર્સનું રસોડુ કરવા જતી હતી ત્યારે અકસ્માત નડયો હતો. આ અંગે પડધરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
