મનપાનું ઓનલાઈન સર્વર ફરી ઠપ્પ, અરજદારોની સ્થિતિ કફોડી

જાહેર રજા બાદ અરજદારોનો ધસારો રહેતો હોવાથી તંત્રએ તૈયારીઓ કરેલ જે પાણીમા ગઈ મહાનગરપાલિકા દ્વારા લોકોની સુવિધા માટે મોટાભાગની સેવાઓ ઓનલાઈન શરૂ કરવામાં આવી છે…

જાહેર રજા બાદ અરજદારોનો ધસારો રહેતો હોવાથી તંત્રએ તૈયારીઓ કરેલ જે પાણીમા ગઈ

મહાનગરપાલિકા દ્વારા લોકોની સુવિધા માટે મોટાભાગની સેવાઓ ઓનલાઈન શરૂ કરવામાં આવી છે પરંતુ સરકારી પોર્ટલનું સર્વર અવારનવાર ડાઉન થઈ જવાની ઘટનાઓમાં વધારો થતાં ઓનલાઈન સેવા સરળ થવાના બદલે હવે મુશ્કેલી જનક લાગવા માંડી છે. આજે ફરી વખત મહાનગરપાલિકાની તમામ પ્રકારની સ્પોર્ટ ઓથોરિટી તથા જન્મ મરણ અને મિલકત વેરા સહિતની ઓનલાઈન કામગીરી સવારથી બંધ રહેતાં રજા બાદ ઉપસ્થિત રહેલા વધુ અરજદારોના કારણે મનપા કચેરીમાં દેકારો બોલી ગયો હતો.

મહાનગરપાલિકા દ્વારા જન્મ મરણ તેમજ લગ્ન નોંધણી તથા વેરા વિભાગ અને સ્પોર્ટ ઓથોરિટીને લગતી તમામ પ્રકારની કામગીરી ઓનલાઈન શરૂ કરવામાં આવી છે. જન્મમરણ વિભાગમાં અવારનવાર સર્વર ડાઉનની ઘટના બનતી હોય છે પરંતુ આજે સવારથી મહાનગરપાલિકાની તમામ પ્રકારની ઓનલાઈન સેવાઓનું સર્વર સવારે શરૂ થયા બાદ એક કલાક દરમિયાન ડાઉન થઈ જતાં શહેરભરમાં દેકારો બોલી ગયો છે. જેમાં ખાસ કરીને જન્મમરણ વિભાગમાં આજે સવારથી આવેલા અરજદારો પરેશાન થઈ ગયા હતાં. જ્યારે તાજેતરમાં સ્વિમીંગ પુલ તેમજ અન્ય સ્પોર્ટ ઓથોરિટી માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે તે પણ ઠપ્પ થઈ જતાં સમયસર રજીસ્ટ્રેશન ન થવાના કારણે અરજદારોમાં રોષ વ્યાપી ગયો હતો.

આ મુદ્દે તંત્ર પાસેથી જાણવા મળેલ કે ઉપરથી જ પોર્ટલમાં ખામી સર્જાતા તમામ પ્રકારની ઓનલાઈન સેવાઓ ઠપ્પ થઈ ગઈ છે. આથી કનેકટીવીટી શરૂ થયા બાદ પૂર્વવત તમામ સેવાઓ શરૂ કરવામાં આવશે.
મહાનગરપાલિકામાં આજરોજ જન્મમરણ વિભાગમાં સવારથી લાઈનો જોવા મળી હતી. તપાસ કરતાં માલુમ પડેલ કે સર્વર ડાઉન હોવાથી તમામ પ્રકારની કામગીરી બંધ રહેવા પામી છે અને આ મુદ્દે વધુ તપાસ કરતાં માલુમ પડેલ કે મહાનગરપાલિકાની મોટાભાગની ઓનલાઈન સેવાઓ સવારથી બંધ છે.

જેમાં ખાસ કરીને તંત્ર દ્વારા મિલકત વેરામાં વ્યાજમાફી યોજનાનો લાભ લેવા માટે લોકોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યાં છે અને વર્ષ પુરૂ થવાને હવે ફકત પાંચ દિવસ બાકી છે ત્યારે સર્વર ડાઉન થતાં ઓનલાઈન મિલકત વેરો ભરવાની કામગીરી પણ ઠપ્પ થઈ જતાં વેરા વિભાગની આવકમાં મોટુ ગાબડુ પડવાની સંભાવના જોવાઈ રહી છે. છતાં બપોરબાદ પોર્ટલ રિપેર થતાં તમામ પ્રકારની ઓનલાઈન કામગીરી શરૂ થઈ જવાની હૈયાધારણા તંત્ર આપી રહ્યું છે અને આજે વધુ અરજદારો આવવાના હોય તંત્ર દ્વારા પીવાના પાણી અને છાયડો સહિતની તૈયારીઓ કરેલ જે પાણીમાં ગઈ હતી.

સરકારી સર્વર જ ડાઉન કેમ ?

મહાનગરપાલિકાની ઓનલાઈન સેવાઓમાં રોજીંદી કામગીરીમાં વપરાશમાં આવતું પોર્ટલ અવારનવાર ખરાબ થઈ જાય છે અથવા સર્વર ડાઉન થવાના કારણે કનેકટીવીટી ખોરવાઈ જવાથી કામગીરી બંધ કરવાની ફરજ પડતી હોય છે ત્યારે આજની સર્વર ડાઉનની ઘટના બાદ અરજદારોમાં ચર્ચા જાગેલ કે પ્રાઈવેટ કંપનીઓ દ્વારા તમામ પ્રકારની સેવાઓ ઓનલાઈન આપવામાં આવે છે પરંતુ સર્વર ડાઉન થવાની ઘટના ભાગ્યે જ વર્ષમાં એક બે વખત અને એ પણ બે પાંચ મીનીટ પુરતી બનતી હોય છે તો સરકારી સર્વર જ કેમ વારંવાર ડાઉન થઈ જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *