ભિલાડ રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી: મેમુ ટ્રેનનું એન્જિન પાટા પરથી ઉતર્યું, મુસાફરોમાં અફરાતફરી

  આજે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભિલાડ રેલવે સ્ટેશન પર આજે એક મોટી રેલ દુર્ઘટના ટળી હતી. વિરારથી ભરૂચ જતી મેમુ ટ્રેનનું એન્જિન પ્લેટફોર્મ નંબર-1…

 

આજે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભિલાડ રેલવે સ્ટેશન પર આજે એક મોટી રેલ દુર્ઘટના ટળી હતી. વિરારથી ભરૂચ જતી મેમુ ટ્રેનનું એન્જિન પ્લેટફોર્મ નંબર-1 પર પહોંચતા પહેલાં જ પાટા પરથી ઉતરી જતાં મુસાફરોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

આજે વહેલી સવારે વિરાર-ભરૂચ મેમુ ટ્રેન ભિલાડ રેલવે સ્ટેશન પર પહોંચી રહી હતી. પ્લેટફોર્મ પર ટ્રેન ઊભી રહે તે પહેલાં જ તેનું એન્જિન અચાનક પાટા પરથી ઉતરી ગયું હતું. ઘટનાની સાથે જ ટ્રેનમાં બેઠેલા મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો અને સ્ટેશન પર પણ દોડધામ મચી ગઈ હતી.

આ ઘટનાની જાણ થતાં જ રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને ટેકનિકલ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. એન્જિનને ફરી પાટા પર લાવવા માટે કામગીરી શરૂ કરવામાં આવી હતી. હાલ રેલવે તંત્ર દ્વારા એન્જિન પાટા પરથી ઉતરવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે.

આ ઘટનાના કારણે મુંબઈ તરફથી આવતી અને જતી અનેક ટ્રેનોના સંચાલન પર અસર પડી હતી. વંદે ભારત એક્સપ્રેસ, શતાબ્દી એક્સપ્રેસ, ગુજરાત એક્સપ્રેસ અને વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ સહિત અનેક ટ્રેનો મોડી પડતાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. દૈનિક નોકરીયાતો, વેપારીઓ અને અન્ય મુસાફરો લાંબા સમય સુધી સ્ટેશનો પર અટવાઈ રહ્યા હતા.

પશ્ચિમ રેલવેના મુંબઈ સેન્ટ્રલ ડિવિઝન દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ, આ ઘટના 28 જુલાઈ, સોમવારની સવારે ભીલાડ સ્ટેશન પર બની હતી. વિરાર અને ભરૂચ વચ્ચે દોડતી ટ્રેન નંબર 19101, ભીલાડ ખાતે પ્લેટફોર્મ નંબર 1 પર સવારે 6:27 વાગ્યે પ્રવેશી રહી હતી ત્યારે ટ્રેનના આગળના DMC કોચના ચાર પૈડા પાટા પરથી ઉતરી ગયા હતા. DMCએ કોચ છે જ્યાં ટ્રેન ડ્રાઈવર બેસે છે, જે એન્જિનની જેમ કામ કરે છે. રેલવેએ સ્પષ્ટતા કરી છે કે આ ઘટનામાં કોઈ મુસાફરો કે સ્ટાફને ઈજા થઈ નથી, જે સૌથી મોટી રાહત છે. હાલમાં, પાટા પરથી ઉતરી ગયેલા કોચને ફરીથી રેલિંગ કરવાનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. . રેલ્વે વિભાગે પણ પાટા પરથી ઉતરવાના ચોક્કસ કારણો નક્કી કરવા માટે તપાસ શરૂ કરી છે. ટ્રેક અને એન્જિનનું ટેકનિકલ નિરીક્ષણ પૂર્ણ થયા પછી જ અકસ્માતનું સાચું કારણ બહાર આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *