કયા કારણોસર પગલું ભરી લીધું ? જાણવા પોલીસે તપાસ યથાવત રાખી
શહેરમાં અંબિકા ટાઉનશીપ નજીક શાંતિવન બિલ્ડિગમાં રહેતા 61 વર્ષીય નિવૃત શિક્ષિકાએ કપડા સુકાવવા છત પર જવાનું કહીને અહીંથી પડતું મૂકી દીધું હતું. ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં તેઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડતા તબીબે મૃત જાહેર કર્યા હતા.
અંબિકા ટાઉનશીપ પાસે ખોડીયાર હોટલ નજીક આવલી શાંતિવન બિલ્ડિગમાં ત્રીજા માળે રહેતા 61 વર્ષીય પ્રવિણાબેન જીવણભાઈ કાથરોટીયાએ સવારે 9 વાગ્યા આસપાસ ઘરે કપડા સુકવવા માટે છત પર જાવ છું તેવું કહીને ત્યાંથી નીચે પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો. આચનક પ્રવિણાબેન બિલ્ડીંગ માંથી નીચે પટકાતા જ અહીં રહેતા રહીશોમાં દેકારો મચી જવા પામ્યો હતો. તત્કાલિક પરિવારજનોએ પ્રવિણાબેનને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડતા ઇમરજન્સી વિભાગના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. ઘટના અંગે જાણ થતાં તાલુકા પોલીસ મથકના પીએસઆઈ બ્રિજરાજસિહ સરવૈયા સહિતનો સ્ટાફ હોસ્પિટલે દોડી જઈ જરૂૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
મૃતક પ્રવિણા બેન નિવૃત શિક્ષિકા હતા તેઓને સંતાનમાં બે પુત્ર છે. હાલ નાના દીકરા સાથે રહેતા હતા જો કે તેઓએ ક્યાં કારણસર આ પગલું ભર્યું તે સામે ન આવતા પોલીસે તપાસ યથાવત રાખી હતી.
